સ્પીપાની એન્ટ્રન્સ એકઝામ માટે સોમવારથી ઓનલાઇન અરજી થશે

  યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા લેવામાં આવતી આઈએએસ-આઈપીએસ અને આઈએફએસ જેવી પરીક્ષામાં ગુજરાતના યુવાનો પણ આગળ આવે તે માટે ગુજરાત સરકાર દ્વારા યુવાનને…

 

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા લેવામાં આવતી આઈએએસ-આઈપીએસ અને આઈએફએસ જેવી પરીક્ષામાં ગુજરાતના યુવાનો પણ આગળ આવે તે માટે ગુજરાત સરકાર દ્વારા યુવાનને માત્ર ટોકન ફી લઈને તાલીમ આપવાનો નિર્ણય લેવાયો છે. તાલીમ માટેની સંપૂર્ણ જવાબદારી સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા)ને સોંપવામાં આવી છે.

પ્રશિક્ષણ વર્ગમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો પ્રવેશ પરીક્ષા માટે સોમવારથી તારીખ 4 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકશે.માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા અને સ્નાતક કક્ષાના અંતિમ સેમેસ્ટરમાં હોય તેવા ઉમેદવારો આ માટે અરજી કરી શકશે. જોકે અંતિમ સેમેસ્ટરના ઉમેદવારો એ આ માટે સ્પષ્ટપણે જણાવવું પડશે. જેમની માતૃભાષા ગુજરાતી હોય અથવા જેમણે બોર્ડની પરીક્ષા ગુજરાતીમાં પાસ કરી હોય, છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતમાં રહેતા હોય અને હાલ ગુજરાતમાં સ્થાયી થયા હોય તેવા ઉમેદવારો જ આ માટે અરજી કરી શકે છે.

વય મર્યાદા ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષની નક્કી કરવામાં આવી છે. જોકે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં તેમાં છૂટછાટ આપવામાં આવશે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે રૂૂપિયા 300,અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો તથા દિવ્યાંગો માટે રુ. 100 ફી નક્કી કરવામાં આવી છે.

પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની રહેશે અને તેની પહોંચ પરીક્ષા સમયે દર્શાવવાની રહેશે. પરીક્ષા ફી ભરાઈ ગઈ છે તે ક્ધફર્મ કરવાની જવાબદારી ઉમેદવારોની રહેશે. પ્રવેશ માટેની આ પરીક્ષા સ્પીપા દ્વારા તારીખ 20 જુલાઈ ના રોજ અલગ અલગ બે તબક્કામાં સવારે 11:00 થી 1-00 અને બપોરે 2 થી 3-30 દરમિયાન લેવામાં આવશે. પરીક્ષા માટેના કેન્દ્રો રાજકોટ અમદાવાદ વડોદરા, સુરત મહેસાણા રહેશે. આ પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં લેવાશે. પરીક્ષાની પેટર્ન એમ.સી.ક્યુ ની રહેશે. ખોટા જવાબ બદલ અથવા એક પ્રશ્નમાં એક કરતાં વધારે જવાબ બદલ પ્રશ્નના કુલ ગુણના 33% ગુણ બાદ કરવામાં આવશે. પેપર એક અને પેપર બેના સંયુક્ત ગુણના આધારે મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *