એઇમ્સનો ચોંકાવનારો રિપોર્ટ, ફ્રિ સર્વાઇકલ કેન્સર સ્ક્રિનિંગનો પ્રારંભ
ભારતમાં સર્વાઇકલ કેન્સરથી અર્થાતગર્ભાશય ગ્રીવાના કેન્સરથી પ્રત્યેક 8 મિનિટે એક મહિલાનું મોત થઇ રહ્યું છે. આ કેન્સર મહિલાઓમાં જોવા મળતી એક ગંભીર બીમારી છે. પણ એનાથી બચાવ સંભવ છે. શરીરની ઇમ્યૂન સિસ્ટમ અવારનવાર એની સામે લડીને રક્ષણ આપે છે પરંતુ, કેટલાક કેસમાં આ વાયરસ વર્ષો સુધી પગ જમાવે છે અને કેન્સરનું ખતરનાક સ્વરુપ લઇ લે છે.
ભારતમાં સર્વાઇકલ કેન્સરથી અર્થાત ગર્ભાશય ગ્રીવાના કેન્સરથી પ્રત્યેક 8 મિનિટે એક મહિલાનું મોત થઇ રહ્યું છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (રેડિએશન ઓન્કોલોજી, કેન્સર વિકિરણ ચિકિત્સા)ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. અભિષેક શંકર દ્વારા જણાવ્યા અનુસાર, ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદના એક રિપોર્ટ મુજબ, ભારતમાં સર્વાઇકલ કેન્સરથી દર આઠ મિનિટે એક મહિલાનું મોત નીપજે છે! અલબત્ત, યોગ્ય સમયે ઉપચાર અને રસીકરણથી એને અટકાવી શકાય છે. આ ગંભીર સ્થિતિને રોકવા માટે કેન્દ્ર સરકાર, રાજ્યોના સ્વાસ્થ્ય મિશન, કેન્સર સંસ્થાન તથા આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ વિશેષ રસીકરણ, સ્ક્રિનિંગ અને ઉપચારની એકીકૃત રણનીતિ મુજબ મળીને કાર્ય કરવાની સંમતિ આપી છે.
દેશભરમાં સર્વાઇકલ કેન્સરના દર વર્ષે આશરે 1.23 લાખ નવા કેસ સામે આવે છે જે પૈકી લગભગ 77 હજાર મહિલાઓનું મૃત્યુ થઇ જાય છે! આ કેન્સરના વધતા કેસોને જોતાં, AIIMS, દિલ્હીએ ફ્રી સર્વાઇકલ કેન્સર સ્ક્રિનિંગ નો પ્રારંભ કર્યો છે. આ અંતર્ગત, 31 જાન્યુઆરી સુધી મહિલાઓ તદ્દન નિ:શુલ્ક સર્વાઇકલ કેન્સરનું સ્ક્રિનિંગ અહિં કરાવી શકે છે. 30 થી માંડીને 65 વર્ષની મહિલાઓ સોમથી શુક્રવાર સુધી સવારે 9 થી 3 વાગ્યા સુધી બ્રેસ્ટઅને સર્વાઇકલ કેન્સરની સ્ક્રિનિંગ કરાવી શકે છે. આ સાથે જ 9 થી 14 વર્ષની ક્ધયાઓ માટે આનાથી બચાવ માટે વેકસિનેશન શનિવારે 9 થી 12 વાગ્યા સુધી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.સર્વાઇકલ કેન્સરથી મોટા ભાગે પૂર્ણ રીતે બચી શકાય છે. જેમાં
1. રસીકરણ:HPV Vaccine લેવી એ સૌથી પ્રભાવશાળી પદ્ધતિ છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ, 9 થી 14 વર્ષની ક્ધયાઓ માટે આ રસીકરણ સૌથી વધુ અસરકારક છે, જો કે 45 વર્ષ સુધીની મહિલાઓ પણ તબીબની સલાહ લઇને એ લઇ શકે છે.
2. પેપ સ્મીયર ટેસ્ટ: 30 વર્ષની વય પછી મહિલાઓએ નિયમિત રુપે આ Pap Smear Test ટેસ્ટ કરાવવો જોઇએ. આનાથી કેન્સર થતા અગાઉ જ પરિસ્થિતિનો તાગ મેળવી શકાય છે.
3. સુરક્ષિત સંબંધ અને સ્વચ્છતા: વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખવું અને સુરક્ષિત યૌન સંબંધ બનાવવાથી આનું જોખમ ઓછું થઇ જાય છે.
