તેલ-ઘી-દૂધ-પનીર… બધે જ ભેળસેળ, 2.13 લાખ કિલો અખાદ્ય જથ્થાનો નાશ

ગુજરાતમાં ભેળસેળયુક્ત અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરી છે. નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય…

ગુજરાતમાં ભેળસેળયુક્ત અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરી છે. નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે હેતુથી ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના મોટા જથ્થાની તપાસ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજ્ય સરકારના આંકડા મુજબ આ વિશેષ અભિયાન દરમિયાન કુલ 2,12,948 કિલો/લિટરથી વધુ ખાદ્ય પદાર્થોની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ અને દૂધજન્ય પદાર્થો તેમજ પનીરના જથ્થાનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન 39,787 કિલો ઘી, 1,67,256.60 કિલો/લિટર ખાદ્ય તેલ, 675.40 કિલો દૂધ અને દૂધજન્ય પદાર્થો તેમજ 5,229 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો.અધિકારીઓ દ્વારા વિવિધ બ્રાન્ડેડ તેમજ ખુલ્લા વેચાણમાં રહેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઈને તેની ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષા ધોરણો મુજબ ચકાસણી કરવામાં આવી હતી. જ્યાં નિયમોનું ઉલ્લંઘન અથવા ગુણવત્તા અંગે શંકા જણાઈ ત્યાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજ્યવ્યાપી અભિયાન દરમિયાન તપાસ હેઠળ આવેલા ખાદ્ય પદાર્થોની કુલ અંદાજિત કિંમત રૂૂ. 5.89 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે. તેમાં ઘીના જથ્થાની કિંમત અંદાજે રૂૂ. 2.38 કરોડ, ખાદ્ય તેલની કિંમત રૂૂ. 3.34 કરોડ, દૂધ અને દૂધજન્ય પદાર્થોની કિંમત રૂૂ. 47 હજારથી વધુ તેમજ પનીરની કિંમત રૂૂ. 15.68 લાખ જેટલી હોવાનું જણાવાયું છે. આમ કુલ રૂૂ. 5,89,39,470ના ખાદ્ય પદાર્થો સામે તપાસ અને નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વિશેષ અભિયાન અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દાહોદ, કચ્છ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, પંચમહાલ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાદ્ય સુરક્ષા અધિકારીઓ દ્વારા બજારો, ગોડાઉન, ઉત્પાદન એકમો તેમજ વેચાણ કેન્દ્રો પર જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વિવિધ સ્થળોએથી નમૂનાઓ એકત્રિત કરીને પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *