સુઓ મોટો સત્તાનો ઉપયોગ વ્યાજબી સમયમાં થવો જોઈએ, વિલંબથી વિશ્ર્વાસથી થયેલા વ્યવહારોને નુકસાન થાય છે
ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે મહેસૂલ વિભાગના અધિકારીઓ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજને એકપક્ષીય રીતે રદ કરી શકતા નથી કે ન તો સુઓ મોટુ (સ્વમતે) સત્તાનો ઉપયોગ કરીને જમીન રાજ્યમાં વેસ્ટ કરી શકે છે, ખાસ કરીને જ્યારે કાર્યવાહીમાં અયોગ્ય લાંબો વિલંબ થયો હોય.
આ કેસમાં પિટિશનર્સ કોળી પરશોત્તમભાઈ નરસિંહભાઈ અને અન્યે 1990માં સુરેન્દ્રનગર જિલ્લાની કૃષિ જમીન નોંધણીકૃત વેચાણ દસ્તાવેજ દ્વારા ખરીદી હતી. 1991-92માં મ્યુટેશન એન્ટ્રી દ્વારા તેમના નામે ખાતરી થઈ હતી અને તેઓ દાયકાઓથી જમીનની ખેતી કરી રહ્યા હતા. જોકે, 2003માં લગભગ 11 વર્ષના વિલંબ પછી અસિસ્ટન્ટ કલેક્ટરે સુઓ મોટુ કાર્યવાહી શરૂૂ કરી અને જમીનને ‘નવા ટેન્યોર’ની હોવાનો આરોપ લગાવી પરવાનગી વિના ટ્રાન્સફર થયું હોવાનું કહી રાજ્યમાં વેસ્ટ કરવાનો આદેશ આપ્યો. આ આદેશને કલેક્ટર અને સ્પેશિયલ સેક્રેટરી (એપીલ્સ)એ પણ જાળવી રાખ્યો હતો.
જસ્ટિસ દિવ્યેશ એ. જોશીની ખંડપીઠે આદેશને રદ કરી દીધો અને પિટિશનર્સના હક્કો પુન:સ્થાપિત કર્યા. કોર્ટે કહ્યું કે, કાયદામાં મર્યાદા અવધિ ન હોય તો પણ સુઓ મોટુ સત્તાનો ઉપયોગ વાજબી સમયમાં જ થવો જોઈએ. લાંબા વિલંબથી સ્થાપિત હક્કો અને ત્રીજા પક્ષના સારા વિશ્વાસથી થયેલા વ્યવહારોને નુકસાન થાય છે, જે અન્યાયી છે.કોર્ટે પૂર્વ ચુકાદાઓ જેમ કે જોઈન્ટ કલેક્ટર રંગા રેડ્ડી વિ. ડી. નરસિંહ રાવ (2015) પર આધાર રાખીને ભાર મૂક્યો કે મહેસૂલ અધિકારીઓ રજિસ્ટર્ડ સેલ ડીડને રદ કરવાની સત્તા ધરાવતા નથી, ભલે છેતરપિંડીનો આરોપ હોય તો પણ આવા વિવાદો સિવિલ કોર્ટમાં જ નક્કી થવા જોઈએ. આ નિર્ણયથી જમીન વ્યવહારોમાં નિશ્ચિંતતા અને વિશ્વાસથી ખરીદનારાઓના હિતોનું રક્ષણ થશે. પિટિશનર્સ તરફથી એડવોકેટ કિટ્ટી એસ. મહેતા અને રાજ્ય તરફથી એસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર સુરભિ ભાટીએ હાજરી આપી હતી.
