પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટને ગુજરાતભરમાંથી જબરૂ સમર્થન
1000 સંસ્થાઓને પત્ર લખ્યા, અભિપ્રાયોનો ધોધ વહ્યો
છેલ્લા કેટલાક સમયથી સમાજમાં વ્યાપી ગયેલા કુરિવાજોને નાબુદ કરવા માટે ગુજરાતમાં ઠાકોર અને રબારી સહિત એક પછી એક સમાજના આગેવાનો દ્વારા સામાજિક બંધારણ ઘડવામાં આવી રહ્યું છે. એવામાં હવે રાજ્યના સૌથી સમૃધ્ધ અને પ્રગતિશીલ મનાતા પાટીદાર સમાજ દ્વારા પણ સામાજિક બંધારણ ઘડવાની તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે.
સુરતની કિરણ હોસ્પિટલના ચેરમેન અને પદ્મશ્રી મથુર સવાણી દ્વારા પાટીદાર સમાજના બંધારણ બનાવવાની આવશ્યક્તા પર ભાર મૂક્યો હતો. આ સાથે જ તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામાજિક બંધારણને સમર્થન આપતા હોય તેમના માટે એક લિન્ક પણ મૂકી હતી. જેને ગુજરાતભરમાંથી વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો છે.
આ અંગે વિગતો આપતા પદ્મશ્રી મથુર સવાણીએ જણાવ્યું કે, ગુજરાતભરમાંથી પાટીદારોએ બંધારણ માટે પોતાનું સમર્થન આપ્યું છે. એક હજારથી વધુ સંગઠનોને મને પત્ર લખ્યો છે. મારા આ જનજાગૃતિ અભિયાનને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે.
જેને લઈને મથુર સવાણીએ લોકોનો આભાર વ્યક્ત કરતો પત્ર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામમાં મૂક્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યું છે કે, લાખો લોકોના બંધારણ બાબતે અભિપ્રાયો આવ્યા પછી, તેમની લાગણી પત્રના માધ્યમથી રાજ્યના એક હજારથી વધારે પાટીદાર સમાજ-સંગઠનના આગેવાનો સુધી પહોંચાડી.
રીતિ-રિવાજ કંટ્રોલ કરવા માટે બંધારણ બનાવવાની સમાજના લોકોની જાગેલી લાગણીને જન-આંદોલન બનાવવા માટે દરેક જાગૃત નાગરિક ભાઈ-બહેનોનું કર્તવ્ય બને છે કે, બંધારણ બાબતે લોકો સાથે ચર્ચા કરો. 25 -50 લોકો ભેગા મળી નજીકના સમાજ સંગઠનના આગેવાનોને રજૂઆત કરો.
સાંસદ રૂપાલાની હાકલ બાદ સવાણીએ વિચારને વેગ આપ્યો
તાજેતરમાં રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂૂપાલાએ સમાજના બંધારણ અંગે આપેલા નિવેદન બાદ પદ્મશ્રી મથુર સવાણીએ આ વિચારને વેગ આપ્યો હતો. સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં સમાજના આગેવાનોએ સ્વીકાર્યું હતું કે લગ્ન પ્રસંગો કે અન્ય સામાજિક કાર્યક્રમોમાં થતા બિનજરૂૂરી ખર્ચ મધ્યમ વર્ગના પરિવારો માટે બોજ સમાન છે. આથી નવા બંધારણના ડ્રાફ્ટમાં મુખ્યત્વે લગ્ન પ્રસંગોમાં ભપકા અને બિનજરૂૂરી ખર્ચ ઘટાડવા, મરણોત્તર ક્રિયાઓમાં ખર્ચાળ રિવાજો બંધ કરવા અને સમાજના દરેક વર્ગના ઉત્થાન માટે સમાન નિયમો લાગુ કરવા જેવી બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
