સુરેન્દ્રનગરના કુખ્યાત શખ્સનું અમદાવાદમાં ભેદી રીતે મોત

લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગ સાથે કનેકશન ધરાવતા નિવૃત આર્મીમેન મહાવિરસિંહ સિંધવ સામે અનેક ગંભીર ગુના નોંધાયેલા: પાડોશી સાથે ઝઘડા બાદ પોલીસ આવતા ધરપકડથી બચવા ભાગવા ગયેલા…

લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગ સાથે કનેકશન ધરાવતા નિવૃત આર્મીમેન મહાવિરસિંહ સિંધવ સામે અનેક ગંભીર ગુના નોંધાયેલા: પાડોશી સાથે ઝઘડા બાદ પોલીસ આવતા ધરપકડથી બચવા ભાગવા ગયેલા મહાવિરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત

સુરેન્દ્રનગર પંથકનો વતની અને જેની સામે ગુજસીટોક સહીતના અનેક ગુના નોંધાયેલ હતા એવા નિવૃત ફૌજી મહાવિરસિંહ સિંધવનું અમદાવાદના બોપલ વિસ્તારના એક વૈભવી ફલેટના ચોથા માળેથી પડી જવાથી રહસ્યમય મોત થયું છે. લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગ સાથે કનેકશન ધરાવતો મહાવીરસિંહ સિંધવ લોક કલાકાર દેવાયત ખવડના ડાયરામાં લાખો રૂપીયા ઉડાવી લાઇમ લાઇટમાં આવ્યો હતો. પોતાની સાથે 10 કારનો કાફલો અને બોડીગાર્ડ સાથે રાખી ફરતા મહાવિરસિંહ સિંધવ પોલીસ ધરપકડથી બચવા ફલેટમાંથી ભાગ્યો ત્યારે પગ લપસતા નીચે પટકાયો અને તેનું ઘટના સ્થળે મોત થયું હતું.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, મૃતક યુવકનું નામ મહાવીરસિંહ સિંધવ છે. તે હત્યાના પ્રયાસ , મારામારી, ગુજસીટોક અને એનડીપીએસ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર હતો. તે તાજેતરમાં જ બોપલ વિસ્તારમાં આવેલા ’અક્ષર લક્ઝ્યુરિયા’ ફ્લેટમાં રહેવા માટે આવ્યો હતો. ગત રાત્રે (8 જૂન) મહાવીરસિંહે નશાની હાલતમાં પાડોશી અને ફ્લેટના અન્ય બ્લોકમાં રહેતા લોકો સાથે કોઈ બાબતે ભારે હોબાળો મચાવ્યો હતો.

ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે તેણે પાડોશીઓ સાથે બેફામ મારામારી શરૂૂ કરી દીધી હતી. મહાવીરસિંહના સતત વધી રહેલા ત્રાસ અને આતંકથી કંટાળીને ફ્લેટના સ્થાનિક રહીશોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂૂમના ઈમરજન્સી નંબર 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. સ્થાનિકોની જાણના પગલે પોલીસ આવી હોવાની ભાળ મળતાં જ મહાવીરસિંહ પકડાઈ જવાના ડરથી બચવા માટે ભાગ્યો હતો.

ચોથા માળે ગેલેરી કે અગાસીના ભાગેથી ઝડપથી ભાગવાના પ્રયાસમાં અચાનક તેનો પગ લપસી ગયો હતો, જેના કારણે તે સીધો ચોથા માળેથી હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો, જેમાં માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેના લીધે તેનું મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *