બુરખાની બબાલમાં નીતિશ કુમાર બરાબરના ઘેરાયા

ભારતમાં સાવ ફાલતું કહેવાય એવા મુદ્દાઓને ચગાવીને ચોળીને ચિકણું કરવાની ફેશન છે ને નીતીશ કુમારે બિહારમાં એક ડોક્ટર યુવતીનો હિજાબ એટલે કે બુરખો ખેંચ્યો એ…

ભારતમાં સાવ ફાલતું કહેવાય એવા મુદ્દાઓને ચગાવીને ચોળીને ચિકણું કરવાની ફેશન છે ને નીતીશ કુમારે બિહારમાં એક ડોક્ટર યુવતીનો હિજાબ એટલે કે બુરખો ખેંચ્યો એ મુદ્દે એવું જ થઈ રહ્યું છે. નીતીશની હરકત યોગ્ય નથી તેમાં બેમત નથી પણ તેમાં આભ તૂટી પડયું હોય એવો દેકારો મચાવી દેવાની પણ જરૂૂર નથી. સામે નીતીશ મુસ્લિમ ડોક્ટર યુવતીની માફી માગીને આ વિવાદ પર પડદો પાડી શકે પણ તેમને પણ અહમ નડતો હશે તેથી જેમાં કોઈ દમ જ નથી એવી ઘટના રાષ્ટ્રીય વિવાદનો મુદ્દો બની ગઈ છે.

આ વિવાદમાં ઘણાં લોકો પોતાનો રોટલો શેકી રહ્યા છે. કેટલાક નમૂના આખી વાતને ઈસ્લામના નિયમો અને હિજાબની પવિત્રતા સાથે જોડીને જુદું જ વાજું વગાડી રહ્યા છે તો સોશ્યલ મીડિયાના કારણે જેમની દુકાનો ચાલે છે એવી કેટલીક કહેવાતી સેલિબ્રિટી તો નીતીશને થપ્પડ મારવાની ને તેમની ધોતી ઉતારી નાખવા સુધીની વાતો પર પહોંચી ગઈ છે. નીતીશે કરેલી હરકત કરતાં પણ વધારે છિછરી હરકત કરવાની હોડ જામી ગઈ છે. આ મોંકાણ મંડાઈ તેના મૂળમાં અઠવાડિયાં પહેલાંની ઘટના છે.

ગયા અઠવાડિયે બિહારમાં 1,000 થી વધુ આયુષ ડોકટરને નિમણૂક પત્ર આપવા માટેના સમારોહમાં ડો. નુસરત પરવીન નામની મુસ્લિમ મહિલા હિજાબ એટલે કે બુરખો પહેરીને આવેલી. નુસરત પોતાનો એપોઈન્ટમેન્ટ લેટર લેવા માટે હિજાબ પહેરીને જ સ્ટેજ પર ગઈ હતી. નીતીશે તેને એપોઈન્ટમેન્ટ લેટર આપીને અભિનંદન આપ્યા પછી શું કુમતિ સૂઝી કે, નુસરતના ચહેરા પરથી બુરખો ખેંચીને નીચે કરી દીધો. અત્યારે મોબાઈલ ફોન હાથવગા છે તેથી નીતિશની હરકતનો વીડિયો ઉતરી ગયો ને આરજેડીએ વાઇરલ કરી દીધો. નીતીશે આવી હરકત કેમ કરી એ ખબર નથી. ચહેરા પર બુરખો પહેરેલો હોય તેથી ફોટો સારો નહીં આવે એવું નીતીશને લાગ્યું હશે કે પછી પડદે કે પીછે ક્યા હૈ એ જાણવાની ચટપટી થઈ તેની ચોખવટ તો નીતિશ જ કરી શકે પણ નીતીશની આ હરકતે બબાલ ઉભી કરી દીધી છે. આ બબાલમાં રાજકારણીઓથી માંડીને સેલિબ્રિટી સુધીના બધા કૂદી પડયા છે અને ભાજપ-જેડીયુના બે-ચાર નેતાને બાદ કરતાં બીજાં બધાં નીતીશના માથે માછલાં ધોઈ રહ્યા છે. ભાજપના ગિરિરિજસિંહ નીતીશના ખુલ્લેઆમ બચાવમાં બહાર આવ્યા છે.

ગિરિરાજે તો નીતીશને છોકરીના ગાર્ડિયન ગણાવીને ખોખારીને કહ્યું છે કે, નીતીશે કશું જ ખોટું કર્યું નથી. બીજી તરફ જાવેદ અખ્તર સહિતની સેલિબ્રિટીનું કહેવું છે કે, હું પોતે પડદા હું પ્રથાનો વિરોધી છું અને કોઈ સ્ત્રી પોતાનો ચહેરો બતાવે તેમાં કોઈ અશ્ર્લીલતા નથી તેથી બુરખાથી અશ્ર્લીલતા રોકાય છે એ વાત બકવાસ છે. જો કે જાવેદ અખ્તરે પણ નીતીશની હરકતને અયોગ્ય ગણાવીને બિનશરતી માફીની માગણી તો કરી જ છે. નીતીશે કશું ખોટું કર્યું નથી એ બચાવ લૂલો છે. ડો. નુસરત પરવીને એપોઈન્ટમેન્ટ લેટર લેવા માટે આવતી વખતે બુરખો પહેરીને નહીં પણ ખુલ્લા ચહેરે જ આવવું જોઈએ એ વાત સાચી છે પણ આ આ બુરખો દૂર કરવાનું કામ મુખ્યમંત્રીનું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *