વાહન પાર્ક કરવા મુદ્દે માથાકૂટ: તોડફોડ કર્યાની દંપતી અને બે પુત્ર સામે ફરિયાદ
જામનગર માં ગુલાબ નગર નજીક યોગેશ્વર નગરમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે વાહન પાર્ક કરવાના મુદ્દે તકરાર થઈ હતી, અને એક પાડોશી મહિલાના ઘરમાં દંપતી અને તેના પુત્ર સહિતના ચાર પાડોશીઓ ધોકા, લાકડી, પથ્થર અને સોડા બોટલ ના ઘા કરીને મકાનમાં ઘરવખરી તથા બારી બારણા ને નુકસાન પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે ગુલાબ નગર નજીક યોગેશ્વર નગર શેરી નંબર ત્રણ માં રહેતી રૂૂપલબેન દીપકભાઈ ફિચડીયા નામની 40 વર્ષની વાણીયાસોની જ્ઞાતિની મહિલાએ જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ઘરમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા અજય બાવાજી, તેની પત્ની અલ્પા અજયભાઈ, તથા બે પુત્ર હિતેશ અજયભાઈ અને વિવેક અજયભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીઓના મકાનની બહાર વાહન પાર્ક કરવાના મુદ્દે પાડોશીઓને વાંધો પડ્યો હતો, અને તકરાર કરી હતી. દરમિયાન ગઈકાલે ચારેય આરોપીઓ પોતાના હાથમાં લાકડી ધોકા પથ્થર અને સોડા બોટલ લઈને ઘરમાં ધસી આવ્યા હતા, અને બારી બારણા ના કાચમાં ધોકા પથ્થર વગેરે મારી તોડફોડ કરી નુકસાની પહોંચાડી હતી. ઉપરાંત ઘરવખરીમાં પણ તોડફોડ કરી એક મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો.આથી સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે રૂૂપલબેન ની ફરિયાદ ના આધારે પાડોશી દંપત્તિ અને તેના બે પુત્ર સહિત ચારેય સામે ગુનો નોંધ્યો છે, અને હાલ ચારેય ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.