ઉ.આફ્રિકી દેશ માલીમાં રાષ્ટ્રવ્યાપી વિસ્ફોટો: સંરક્ષણ પ્રધાનની હત્યા

અલકાયદા સાથે ભળેલા સ્થાનિક આતંકવાદીઓએ આખા દેશને બાનમાં લીધો માલીમાં એક મોટો અને ખતરનાક હુમલો થયો છે. અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન અને તુઆરેગ બળવાખોરોએ…

અલકાયદા સાથે ભળેલા સ્થાનિક આતંકવાદીઓએ આખા દેશને બાનમાં લીધો

માલીમાં એક મોટો અને ખતરનાક હુમલો થયો છે. અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન અને તુઆરેગ બળવાખોરોએ મળીને દેશના ઘણા શહેરોમાં એકસાથે હુમલો કર્યો. આ હુમલામાં દેશના રક્ષા મંત્રી સાદિયો કામારાએ જીવ ગુમાવ્યો છે. આ હુમલો એટલો મોટો હતો કે સમગ્ર દુનિયાની નજર માલી પર ટકી છે. આ દેશમાં 95 ટકા વસ્તી સુન્ની મુસ્લિમોની છે. અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન અને તુઆરેગ બળવાખોરોએ મળીને એકસાથે ઘણી જગ્યાઓ પર હુમલો કર્યો.

આ હુમલાને છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી મોટો અને સૌથી સંગઠિત હુમલો ગણવામાં આવી રહ્યો છે. રાજધાની બામાકો પાસે સોનાની ખાણોવાળા વિસ્તારોમાં અને દેશના અલગ-અલગ ભાગોમાં દરેક જગ્યાએ એકસાથે હુમલાઓ થયા છે.

ફ્રાન્સના રેડિયો ચેનલ RFIના રિપોર્ટ અનુસાર, JNIMના આતંકીઓએ બામાકોની બહાર આવેલી કાટી મિલિટરી બેઝ પર હુમલો કર્યો. આ એ જ જગ્યા છે જ્યાં માલીના રક્ષા મંત્રી સાદિયો કામારા રહેતા હતા. તેમના ઘર પર હુમલો થયો અને આ હુમલામાં તેમનું મોત થયું છે.

હુમલો માત્ર શનિવાર સુધી મર્યાદિત ન રહ્યો. રવિવારે પણ રાજધાની પાસે આવેલી એક સૈનિકોના બેઝ પર ગોળીબારના અવાજો સંભળાયા હતા. રોઇટર્સના એક પત્રકારે પોતે આ રિપોર્ટ આપ્યો છે.

માલીમાં કિડાલ એક ખૂબ જ મહત્વનું શહેર છે. તે ઉત્તરમાં આવેલું છે અને લાંબા સમયથી સરકાર અને બળવાખોરો વચ્ચેની લડાઈનું કેન્દ્ર રહ્યું છે. બળવાખોરોએ એવો દાવો કર્યો છે કે, તેમણે કિડાલ શહેરને સરકારી સેના પાસેથી પાછું છીનવી લીધું છે. જો કે, આ દાવાની હજું સુધી પુષ્ટિ થઈ નથી. હાલ સુધી મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકોની ચોક્કસ સંખ્યા સામે આવી નથી. પરિસ્થિતિ હજુ પણ બદલાઈ રહી છે અને વધુ માહિતી આવવાની બાકી છે.

આ હુમલો એટલા માટે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે કારણ કે પહેલા આતંકીઓ અંતરિયાળ વિસ્તારોમાં હુમલા કરતા હતા. પરંતુ આ વખતે તેમણે રાજધાની બામાકોની નજીક અને એક સૈન્ય મથક પર હુમલો કર્યો. રક્ષા મંત્રી જેવા મોટા નેતાને નિશાન બનાવવામાં આવ્યા. અનેક જગ્યાએ એકસાથે હુમલા થયા, જે દર્શાવે છે કે આ એક ખૂબ જ સમજી-વિચારીને કરવામાં આવેલું મોટું પ્લાનિંગ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *