ઉત્તર પ્રદેશમાં વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને હજુ સમય છે, પરંતુ અત્યારથી જ રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાવા લાગ્યું છે. ભાજપ ફરી એકવાર સત્તામાં વાપસી કરવાની તૈયારી કરી રહ્યું છે, જ્યારે સમાજવાદી પાર્ટી પણ સરકાર બનાવવા માટે પોતાની રણનીતિ ઘડી રહી છે. આ દરમિયાન સામે આવેલા એક નવા ઓપિનિયન પોલે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. સર્વેમાં ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે ખૂબ જ નજીકનો મુકાબલો જોવા મળી રહ્યો છે.
SCORE દ્વારા કરવામાં આવેલા ઉત્તર પ્રદેશ ઓપિનિયન પોલ અનુસાર, જો અત્યારે વિધાનસભાની ચૂંટણી યોજાય તો ભાજપ અને સપા બંનેને સારી બેઠકો મળી શકે છે. ખાસ વાત એ છે કે રાજ્યની 42 બેઠકો એવી છે, જ્યાં બંને પક્ષો વચ્ચે જીતનો તફાવત ખૂબ ઓછો રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આથી આગામી ચૂંટણીમાં દરેક બેઠકનું મહત્ત્વ વધી શકે છે.
સર્વેના અંદાજ પ્રમાણે ઉત્તર પ્રદેશની કુલ 403 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 177થી 215 બેઠકો મળી શકે છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીને 160થી 202 બેઠકો મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ આંકડા બતાવે છે કે બંને મુખ્ય પક્ષો વચ્ચે સીધી સ્પર્ધા થઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવવા માટે 202 બેઠકોનો જાદુઈ આંકડો જરૂૂરી છે. આવી સ્થિતિમાં ભાજપની સાથે સપા પણ બહુમતીની નજીક પહોંચે તેવી સંભાવના સર્વેમાં વ્યક્ત કરવામાં આવી છે.
અન્ય પક્ષોની વાત કરીએ તો જયંત ચૌધરીની રાષ્ટ્રીય લોકદળ (RLD)ને 10 બેઠકો મળવાનું અનુમાન છે. અપના દળ (એસ)ને 5, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીને 3થી 5 અને નિષાદ પાર્ટીને 1થી 3 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને 2 અને બહુજન સમાજ પાર્ટી એટલે કે બસપાને માત્ર 1 બેઠક મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજા ભૈયાની પાર્ટીને પણ 2 બેઠકો મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
જો ભાજપ અને તેના સહયોગી પક્ષો ગઉઅ તરીકે ચૂંટણી લડે અને સમાજવાદી પાર્ટી તથા કોંગ્રેસ સાથે મળીને મેદાનમાં ઉતરે તો બંને ગઠબંધનો વચ્ચે પણ રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે. સર્વે પ્રમાણે NDAને 181થી 226 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે સપા અને કોંગ્રેસના INDIA ગઠબંધનને 174થી 219 બેઠકો મળી શકે છે. આ ઓપિનિયન પોલ 15 ઓક્ટોબરથી 23 નવેમ્બર 2026 દરમિયાન કરવામાં આવ્યો હતો. તેમાં ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા બેઠકોને ધ્યાનમાં રાખીને રાજકીય માહોલ અને મતદારોની પસંદગીનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.
વોટ શેરમાં અખિલેશની સપા ભાજપ કરતાં આગળ
સર્વેનો સૌથી રસપ્રદ ભાગ બંને પક્ષોના વોટ શેરને લઈને છે. બેઠકોના અંદાજમાં ભાજપ આગળ દેખાય છે, પરંતુ મત ટકાવારીમાં સમાજવાદી પાર્ટી થોડા અંતરથી આગળ હોવાનું સર્વેમાં જણાવાયું છે. આંકડા પ્રમાણે સપાને 36.98 ટકા મત મળવાની શક્યતા છે, જ્યારે ભાજપને 36.69 ટકા મત મળવાનો અંદાજ છે. એટલે કે બંને પક્ષો વચ્ચે માત્ર 0.29 ટકાનો તફાવત છે. અન્ય પક્ષોની વાત કરીએ તો બસપાને 11.45 ટકા અને કોંગ્રેસને 7.67 ટકા વોટ મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે. ચંદ્રશેખર આઝાદની પાર્ટીને 2.54 ટકા મત મળવાનું અનુમાન છે.
મુખ્યમંત્રી પદ માટે યોગી આદિત્યનાથ પહેલી પસંદ
સર્વેમાં લોકોને આગામી મુખ્યમંત્રી તરીકે કોને જોવા માંગે છે તે અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી આગળ રહ્યા છે. સર્વે પ્રમાણે 35.29 ટકા લોકોએ યોગી આદિત્યનાથને આગામી મુખ્યમંત્રી તરીકે પોતાની પસંદગી ગણાવી છે. જ્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને 26.50 ટકા લોકોનું સમર્થન મળ્યું છે. બસપા સુપ્રીમો માયાવતીને 8.59 ટકા લોકોએ મુખ્યમંત્રી પદ માટે પસંદ કર્યા છે. બીજી તરફ 22.66 ટકા લોકોએ આ સવાલનો જવાબ આપતાં પોતાની પસંદગી નક્કી ન હોવાનું જણાવ્યું હતું. અન્ય નેતાઓમાં ચંદ્રશેખર આઝાદને 1.90 ટકા, પ્રિયંકા ગાંધીને 1.25 ટકા, રાજનાથ સિંહને 1 ટકા, રાહુલ ગાંધીને 0.27 ટકા અને કેશવ પ્રસાદ મૌર્યને 0.14 ટકા લોકોએ પસંદ કર્યા છે.
