ભારતીય સિનેમાના મહાનતમ સંગીતકારોમાંથી એક એ. આર. રહેમાને આપેલા એક નિવેદનના કારણે બબાલ થઈ ગઈ છે. રહેમાનને છેલ્લાં કેટલાંક વરસોથી બોલિવૂડમાં કામ ઓછું મળી રહ્યું છે. રહેમાને એ અંગે બળાપો કાઢ્યો છે કે, બોલિવૂડમાં હવે ક્રિયેટિવિટી ઓછી થતી જાય છે એ પોતાના જેવા સંગીતકારની ડીમાન્ડ ઓછી થઈ હોવા પાછળનું કારણ છે અને સાથે સાથે બોલિવૂડમાં કોમવાદ વધી રહ્યો હોવાનું કારણ પણ હોઈ શકે છે. રહેમાનના આ નિવેદને તેમના ચાહકોને પણ આંચકો આપી દીધો છે કેમ કે રહેમાન જેવા માણસ પાસેથી કોઈને આવી બકવાસ વાતની અપેક્ષા નહોતી. રહેમાન લગભગ ત્રણ દાયકા સુધી બોલિવૂડના સૌથી વ્યસ્ત સંગીતકાર રહ્યા ને દેશના સૌથી લોકપ્રિય સંગીતકાર પણ રહ્યા.
એ વખતે રહેમાનને બોલિવૂડમાં કોમવાદ નહોતો દેખાતો ને હવે કામ ઓછું મળવા માંડયું તેથી કોમવાદની વાતે ચડી ગયા તેનો આઘાત લાગે જ. રહેમાનને બોલિવૂડમાં કામ ઓછું મળી રહ્યું હોવાના બીજાં ઘણાં કારણો હોઈ શકે છે પણ કોમવાદ તો કારણ નથી જ. રહેમાન ભારતમાં તો અત્યારે સૌથી મોટા સંગીતકાર છે જ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના નામના ડંકા વાગે છે. અનેક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં કામ કરી ચૂકેલા રહેમાન બબ્બે ઓસ્કાર એવોર્ડ જીતી ચૂક્યા છે. આ કારણે તેમની ફી બીજા સંગીતકારો કરતાં ઉંચી હોય તેથી બધાંને ના પરવડે. આ ઊંચી ફીના કારણે નિર્માતા રહેમાનનો સંપર્ક કરવાનું ટાળતા હોય એ શક્ય છે. છેલ્લાં કેટલાંક વરસોમાં બોલિવૂડની ફિલ્મોનું સ્વરૂૂપ પણ બદલાયું છે. રહેમાન 1990ના દાયકામાં આવ્યા ત્યારે રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મો બનતી. એ વખતે ફિલ્મોમાં પાંચ-છ ગીતો હોય એ સામાન્ય ગણાતું કેમ કે ફિલ્મના મ્યુઝિકમાંથી નિર્માતાઓને તગડી કમાણી થતી. રહેમાનની કારકિર્દીના શરૂૂઆત વખતે કેસેટ્સનો જમાનો હતો તેથી બહુ જંગી કમાણી થતી.
આપણને રહેમાનને કામ ઓછું મળવા માટે ખરેખર શું કારણ જવાબદાર છે એ ખબર નથી પણ કોમવાદ તો કારણ નથી જ એ ખબર છે. કોમવાદ કારણ હોય તો શાહરૂૂખ ખાન, સલમાન ખાન કે નવાઝુદ્દીન સિદ્દીકી જેવા એક્ટર પણ નવરા થઈ જાય ને અનીસ બઝમી કે કબીર ખાન જેવા ડિરેક્ટર્સને પણ કામ મળતું બંધ થઈ જાય. રહેમાન મહાન સંગીતકાર છે તેમાં બેમત નથી. હિંદી ફિલ્મોના બિબાંઢાળ સંગીતથી અલગ સંગીત આપીને રહેમાને લોકોનું બહુ મનોરંજન કર્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દેશને નામના આપવી જ છે તેથી તેમના યોગદાનને સલામ કરવી જ પડે. બદલામાં આ દેશનાં લોકોએ રહેમાનને અભૂતપૂર્વ પ્રેમ અને માન આપ્યાં છે ત્યારે રહેમાને દેશમાં સૌથી સેક્યુલર મનાતી ઈન્ડસ્ટ્રી પર કોમવાદનું લેબલ લગાવવાથી દૂર રહેવું જોઈએ.
બોલિવૂડમાં રહેમાન પહેલા એવા સંગીતકાર નથી કે જેમની આ હાલત થઈ હોય. હિંદી ફિલ્મોમાં ઈતિહાસ રચનારા મહાન સંગીતકારોને પણ એક તબક્કા પછી કામ મળવાનું બંધ થઈ ગયું હોય એવી સ્થિતી થઈ જ છે. નૌશાદ અલી, શંકર જયકિશન, ઓ.પી. નૈયર, લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ, કલ્યાણજી-આણંદજી, રાહુલ દેવ બર્મન સહિતના ધુરંધર સંગીતકારોને પણ એક તબક્કા પછી કામ મળતું બંધ થઈ ગયું હતું. આ યાદીમાં બીજા પણ ઘણાં નામો છે. નૌશાદ અને નૈયર ઘણા સંગીતકારો વાસ્તવિકતા સ્વીકારીને ગૌરવભેર ખસી ગયા ને જે ના ખસ્યા તેમણે નાલેશી સહન કરવી પડી. રહેમાને પણ મળે એ કામ કરવું એવો અભિગમ અપનાવીને ગૌરવ જાળવવું જોઈએ, બીજો બકવાસ ના કરવો જોઈએ.
