રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આવેલા ત્રણ ટીપી પ્લોટ ખાનગી લોકમેળા માટે ભાડે આપવામાં આવશે. આ માટે વહિવટી પ્રક્રિયાનો પ્રારંભ કરીને કમિશનરની મંજૂરી માટે ફાઇલ મુકવામાં આવી છે. કમિશનર દ્વારા મંજૂરી મળ્યા બાદ તુરંત જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
શહેરના નાના મવા સર્કલ કોર્નર પેટ્રોલપંપની બાજુમાં આવેલા 9438 ચોરસમીટર, સાધુ વાસવાણી રોડ રાજપેલેસ સામેનો 5388 ચોરસમીટર અન. અમીન માર્ગ કોર્નર ઝેડ બ્લ્યૂની સામે આવેલા 4669 ચોરસમીટર પ્લોટ દર વર્ષે સાતમ આઠમના તહેવારો પર ભાડે આપવામાં આવે છે. આ ત્રણેય પ્લોટ પાંચ રૂૂપિયા પ્રતી ચોરસ મીટરના ભાવે ભાડે અપાશે. અને પ્લોટ દીઠ તેની ડિપોઝીટ એક લાખ રૂૂપિયા રાખવામાં આવી છે. કમિશનર દ્વારા ફાઇલ મંજૂર થયા બાદ એસ્ટેટ શાખા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સામાન્ય રીતે સાતમ આઠમના તહેવારો આડે એક મહિના જેવો સમય બાકી હોય ત્યારે ટેન્ડર બહાર પાડવામાં આવતાં હોય છે.
અને ત્યારબાદ પ્લોટની હરરાજી કરીને આપવામાં આવતા હોય છે. આ વહિવટી પ્રક્રિયા બાદ જે તે સંસ્થા કે વેપારીઓ ખાસ કરીને ફજેત ફાળકા, ચકરડીઓના વ્યવસાય કરનારાને ફાઉન્ડેશન યાંત્રિક વિભાગની મંજૂરી સહિતની કામગીરી માટે લાંબો સમય લાગતો હોય નિયત કરેલી જગ્યા ફાળવી દેવામાં આવે છે. પણ હજી સુધી પ્લોટ ભાડે આપવા માટે કમિશનર દ્વારા મંજૂરી મળી નહોય જો મંજૂરી મળવામાં હજી લાંબો સમય પસાર થઇ જશે તો દસ દિવસની સમય મર્યાદામા ટુંકી મુદતનું ટેન્ડર બહાર પાડવામાં આવશે.
