ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા ગજરાજસિંહ શિવુભા વાઢેર નામના 52 વર્ષના આધેડ ગત તા. 25 જૂનના રોજ નજીકના એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા જઈ રહ્યા હતા, ત્યારે મીઠાપુર નજીકના ઓખા હાઈવે માર્ગ પર આવેલા એક પેટ્રોલ પંપ નજીક પહોંચતા પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જીજે 03 એચ.એ. 8106 નંબરના એક ફોર વ્હિલરના ચાલકે ગજરાજસિંહના મોટર સાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે તેમને માથામાં હેમરેજ તથા પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર વિજયસિંહ ગજરાજસિંહ વાઢેર (ઉ.વ. 28) ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ફોર વ્હિલર ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે હનુમાનધાર વિસ્તારમાં રહેતા લખમણભાઈ સામતભાઈ ચૌહાણ નામના 20 વર્ષના કોળી યુવાને ગઈકાલે શનિવારે કોઈ અગમ્ય કારણોસર એક વાડામાં સાગના ઝાડની ડાળીમાં સાંકળ બાંધીને પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા સામતભાઈ રામશીભાઈ ચૌહાણએ કલ્યાણપુર પોલીસને કરી છે.
