ભાવનગરના હાથબ ગામે ઘર કંકાસ અને સાસુ સસરા તેમજ દિયર દ્વારા આપવામાં આવતાં ત્રાસથી કંટાળી ચાર દિવસ પહેલા બે સગીર પુત્રીઓને ખોળામાં બેસાડી જ્વલનશીલ પ્રવાહી છાંટી અગ્નિસ્નાન કરી લેવાના બનાવમાં એક દિકરીનું મોત થયા બાદ માતાનું પણ મોત નિપજ્યું છે.
ભાવનગર જિલ્લાના હાથબ ગામે રહેતા નયનાબેન ઉર્ફે નીતાબેન ભાવેશભાઇ ગોહિલને તેમના સાસુ, સસરા અને દિયર ત્રણેયથી અલગ તેના પતિ સાથે રહેતા હોય તેમજ સાસુ ચકુબેન ભરતભાઇ ગોહિલ, સસરા ભરતભાઇ પોપટભાઇ ગોહિલ, દિયર મેહુલ ભરતભાઇ ગોહિલ અવાર નવાર નયનાબેનને માનસિક ત્રાસ આપી, મારમારતા હોય જેથી કંટાળી જઇ નયનાબેને તેમની બે પુત્રીઓ પ્રતિક્ષા અને ઉર્વીશાને સાથે રાખી હાથબ બંગલાના દરિયાકિનારે તા.27ના રોજ અગ્નિસ્નાન કરી લેતા ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આ બનાવ અંગે પોલીસે નયનાબહેનના સાસુ, સસરા અને દિયર સામે ગુનો દાખલ કર્યો હતો અને ગઇકાલે ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિક્ષાનું મોત થયા બાદ આજે નયનાબહેન ગોહીલનું પણ મોત થયું હતું.
ઘોઘા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ બનાવમાં પોલીસે મહિલાને મરવા માટે મજબુર કરનાર મહિલાના સાસુસ સસરા અને દિયર સામે પોલીસે મરવા માટે મજબુર કરવાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યાવાહી હાથ ધરી છે. જ્યારે આ બનાવમાં દાઝી ગયેલી એક બાળકી ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.