સંસ્કૃત પાઠ્યપુસ્તકોમાં 150થી વધુ ગંભીર ભૂલો: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને જીસીઈઆરટી દ્વારા તૈયાર કરાયેલા ધોરણ 6 અને ધોરણ 8ના સંસ્કૃત પાઠ્યપુસ્તકોમાં અસંખ્ય ગંભીર ભૂલો સામે આવી છે. રાજકોટ શહેર…

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને જીસીઈઆરટી દ્વારા તૈયાર કરાયેલા ધોરણ 6 અને ધોરણ 8ના સંસ્કૃત પાઠ્યપુસ્તકોમાં અસંખ્ય ગંભીર ભૂલો સામે આવી છે. રાજકોટ શહેર કોંગ્રેસે આ અંગે પત્રકાર પરિષદ યોજીને શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે. જાગૃત નાગરિક ડો. ભરતકુમાર કોયાણીએ પૂરાવા સાથે વારંવાર રજૂઆત કરી હોવા છતાં વહીવટ અને મંત્રીશ્રીની ઉદાસીનતા સામે કોંગ્રેસે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે.

ધોરણ 6ના સંસ્કૃત પુસ્તકમાં 52થી વધુ અને ધોરણ 8ના પુસ્તકમાં 100થી વધુ ગંભીર ક્ષતિઓ હોવાનું પૂરાવા સાથે સામે આવ્યું છે. આ ભૂલો વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને સીધી અસર કરે છે. ડો. ભરતભાઈ કોયાણીએ એપ્રિલ 2025થી લઈને વારંવાર પાઠ્યપુસ્તક મંડળ અને શિક્ષણ મંત્રીને પત્રો લખ્યા હતા. જવાબ ન મળતા આરટીઆઈ કરવામાં આવી હતી, જેમાં તંત્રએ ક્ષતિઓ સ્વીકારી હતી અને વેબસાઇટ પર સુધારા અપલોડ કર્યા હતા, પરંતુ પુસ્તકોમાં વાસ્તવિક સુધારો થયો નહોતો. માર્ચ 2026માં સુધારેલી ફોટો કોપીઓ મોકલવામાં આવી હતી. જુલાઈ 2026માં બજારમાં નવા સુધારેલા પુસ્તકો મળવા લાગ્યા હતા, પરંતુ જૂના ભૂલવાળા પુસ્તકો પણ મોટા પાયે વેચાણમાં હતા. રાજકોટની સરકારી સ્કૂલ નંબર 93 અને અન્ય ગ્રામ્ય શાળાઓની મુલાકાતમાં ખુલાસો થયો કે બાળકોના હાથમાં 2025ના જૂના ક્ષતિગ્રસ્ત પુસ્તકો છે, જેના પર 2026નું સ્ટીકર લગાવીને નવા પુસ્તકો તરીકે વહેંચવામાં આવ્યા છે.

આ છેતરપિંડી સામે ડો. કોયાણીએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે અને મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ લાપરવાહી અને છેતરપિંડી માટે શિક્ષણ મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. તેમણે માંગ કરી કે આગામી 20 દિવસમાં તમામ ભૂલવાળા અને સ્ટીકરવાળા પુસ્તકો પાછા ખેંચવામાં આવે અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાચા પુસ્તકો આપવામાં આવે. જવાબદાર અધિકારીઓ અને સંપાદન કમિટી સામે તપાસ કરીને કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે. જો પગલાં ન લેવામાં આવે તો કોંગ્રેસ રાજ્યવ્યાપી આંદોલન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *