ભારે વરસાદ-પૂર જેવી સ્થિતિમાં આચાર્ય- શિક્ષકોને મંજૂરી વગર હેડકવાર્ટર છોડવાની મનાઇ, તમામ જરૂરી સમારકામ પૂર્ણ કરી લેવા તાકીદ
શાળા કેમ્પસમાં જોખમી વિસ્તાર પ્રતિબંધિત કરવા, લટકતા વાયરો હટાવવા, ગટર-ખુલ્લા ટાંકા ઢાંકી દેવા સૂચના
ગુુજરાતમાં ચોમાસું સક્રિય બનવાની તૈયારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલો માટે મહત્વપૂર્ણ સેફ્ટી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂૂઆત સાથે જ લાખો વિદ્યાર્થીઓ શાળાઓમાં અભ્યાસ માટે પહોંચી રહ્યા છે ત્યારે ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે શિક્ષણ વિભાગે આગોતરા સાવચેતીના ભાગરૂૂપે વિગતવાર પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં સ્કૂલ સંચાલકો, આચાર્યો અને શિક્ષકો માટે અનેક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે.
શિક્ષણ વિભાગે ખાસ કરીને ભાર મૂક્યો છે કે ભારે વરસાદ, પૂર અથવા અન્ય કુદરતી આપત્તિ જેવી સ્થિતિ દરમિયાન આચાર્ય અને શિક્ષકો પૂર્વ મંજૂરી વિના પોતાનું મુખ્ય મથક (હેડક્વાર્ટર) છોડી શકશે નહીં. જો કોઈ ઇમરજન્સી સર્જાય તો વિદ્યાર્થીઓની સુરક્ષા અને રાહત કામગીરીમાં તાત્કાલિક હાજરી આપી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે શાળાના જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર રહેશે તો કોઈપણ પરિસ્થિતિનો ઝડપથી સામનો કરી શકાશે.
શિક્ષણ વિભાગના પરિપત્રમાં સ્કૂલોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ચોમાસાની શરૂૂઆત પહેલાં તમામ જરૂૂરી સમારકામનું કામ પૂર્ણ કરી દેવું. ખાસ કરીને શાળાના મકાનની છત, દિવાલો, બારીઓ, દરવાજા અને વરસાદ દરમિયાન જોખમ ઊભું કરી શકે તેવા ભાગોની તપાસ કરીને જરૂૂરી મરામત કરવી ફરજિયાત રહેશે. તે ઉપરાંત સ્કૂલ પરિસરમાં લટકતા વીજ વાયર, ખુલ્લા ઇલેક્ટ્રિક કનેક્શન, ખરાબ સ્વીચ, ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ અને અન્ય વીજળી સંબંધિત ખામીઓ તાત્કાલિક દૂર કરવા સૂચના આપવામાં આવી છે. વરસાદ દરમિયાન વીજપ્રવાહને કારણે અકસ્માત સર્જાવાની શક્યતા રહેતી હોવાથી આ મુદ્દે વિશેષ સાવચેતી રાખવા જણાવાયું છે. જો કોઈ સ્કૂલને ટેકનિકલ અથવા માળખાકીય કામગીરી માટે સહાયની જરૂૂર હોય તો સ્થાનિક વહીવટી તંત્ર, ગ્રામ પંચાયત, નગરપાલિકા અથવા મહાનગરપાલિકાની મદદ લેવા પણ સૂચના આપવામાં આવી છે.
ચોમાસામાં અનેક શાળાઓમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે. તેને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને છત પરના વોટર સ્પાઉટ અને ડ્રેનેજ લાઇનની સફાઈ કરાવવા આદેશ કર્યો છે. વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થાય તે માટે તમામ વ્યવસ્થા સમયસર પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત કેમ્પસમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા વધુ હોય તેવા વિસ્તારોની સફાઈ કરવા, ગંદકી દૂર કરવા અને પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે અગાઉથી આયોજન કરવા જણાવાયું છે. જૂનું, તૂટેલું અથવા જોખમી ફર્નિચર પણ સુરક્ષિત સ્થળે ખસેડી દેવા સૂચના આપવામાં આવી છે. વીજળી સંબંધિત સુરક્ષા માટે તમામ સ્કૂલોમાં એમસીબી (MCB) અને ઇએલસીબી (ELCB) જેવી સલામતી વ્યવસ્થાઓ કાર્યરત છે કે નહીં તેની પણ ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગે સ્કૂલ સંચાલકોને સૂચના આપી છે કે કેમ્પસમાં જ્યાં જોખમ હોય અથવા વિદ્યાર્થીઓ માટે અકસ્માતની શક્યતા હોય તેવા સ્થળોએ સ્પષ્ટ ચેતવણી દર્શાવતા બોર્ડ લગાવવામાં આવે. “જોખમજનક વિસ્તાર”, “પ્રવેશ પ્રતિબંધિત” અથવા અન્ય જરૂૂરી સૂચનાઓ વિદ્યાર્થીઓને સરળતાથી સમજાય તે રીતે લખવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સ્કૂલ પરિસરમાં આવેલી અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકી અથવા અન્ય ખુલ્લા ખાડાઓને મજબૂત રીતે ઢાંકીને લોક મારવાની પણ સૂચના આપવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ અથવા અન્ય કોઈ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને.
પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે દરેક સ્કૂલના નોટિસ બોર્ડ પર સ્થાનિક તલાટી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર, ફાયર બ્રિગેડ, પોલીસ, એમ્બ્યુલન્સ સેવા, તરવૈયા તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના સંપર્ક નંબર સ્પષ્ટ રીતે દર્શાવવા ફરજિયાત રહેશે. આ વ્યવસ્થાનો હેતુ એ છે કે કોઈપણ ઇમરજન્સી સમયે તરત જ સંબંધિત વિભાગનો સંપર્ક કરી શકાય અને રાહત કામગીરીમાં વિલંબ ન થાય.
શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પણ આ ગાઈડલાઈનના અમલીકરણ પર સતત દેખરેખ રાખવા સૂચના આપી છે. જ્યાં જરૂૂર જણાય ત્યાં સ્થળ નિરીક્ષણ કરીને જરૂૂરી કાર્યવાહી કરવાની પણ તાકીદ કરવામાં આવી છે.
દરેક સ્કૂલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ફરજિયાત
ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિનો સામનો કરવા માટે દરેક શાળાએ પોતાનો સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર રાખવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ યોજના હેઠળ આગ, ભારે વરસાદ, પાણી ભરાવું, વીજ અકસ્માત અથવા અન્ય ઇમરજન્સી સમયે કેવી રીતે કામગીરી કરવી તેની સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર રાખવાની રહેશે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે શાળાના તમામ શિક્ષકો અને કર્મચારીઓને આપત્તિ સમયે તેમની જવાબદારી અંગે અગાઉથી માહિતગાર કરવામાં આવે, જેથી કોઈપણ પરિસ્થિતિમાં ગભરાટ સર્જાયા વિના યોગ્ય કાર્યવાહી થઈ શકે.
