સંસદનું સત્ર સોમવારથી શરૂૂ થયું એ પહેલાંથી એવી વાતો ચાલી હતી કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ સત્રમાં જ વકફ બિલમાં સુધારો કરવાનો ખરડો રજૂ કરી દેશે. સંસદના સત્ર પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખોંખારો ખાઈને કહેલું કે, બંધારણમાં વકફ બોર્ડને કોઈ સ્થાન નથી. આ કારણે પણ એવું લાગતું હતું કે, મોદી સરકાર વકફ બોર્ડને લગતા કાયદામાં સુધારો કરવા મક્કમ છે, પણ આ ધારણા ખોટી પડી છે.
વકફ સુધારા વિધેયક પર રચાયેલી સંસદની સંયુક્ત સમિતિ (જેપીસી)નો કાર્યકાળ બજેટ સત્રના છેલ્લા સપ્તાહ સુધી લંબાવી દેવાયો છે તેથી સંસદના ચાલુ સત્રમાં વકફ કાયદામાં સુધારો નહીં થાય એ નક્કી છે. બજેટ સત્ર જાન્યુઆરીમાં શરૂૂ થશે ને ફેબ્રુઆરી સુધી ચાલશે તેથી બીજા કમ સે કમ ત્રણ મહિના તો જેપીસીને તેનો રિપોર્ટ સોંપતાં લાગશે.
કેન્દ્ર સરકારને તેના આધારે ખરડો બનાવીને રજૂ કરવામાં કેટલો સમય લાગશે એ ખબર નથી એ જોતાં બીજા છ મહિના ગણી જ લેવાના. જેપીસીનો રિપોર્ટ તૈયાર ના થયો ને તેની મુદત પાછી લંબાવવી પડે એવું પણ બને. એ સંજોગોમાં વકફ બોર્ડમાં સુધારાને લગતો કાયદો ટલ્લે ચડી ગયો હોય એવું અત્યારે તો લાગી રહ્યું છે.
વિપક્ષો વકફ ઍક્ટમાં સુધારો કેમ નથી ઇચ્છતા એ જગજાહેર છે. મુસ્લિમ સંગઠનો અને મુસ્લિમ મતોના બની બેઠેલા કહેવાતા નેતાઓ વકફ ઍક્ટમાં સુધારા માટે તૈયાર નથી. તેમની દલીલ છે કે, સરકાર તેમની ધાર્મિક બાબતોમાં દખલ કરી રહી છે, પણ વાસ્તવમાં તેમને પોતાનો ગરાસ લૂંટાઈ જવાનો ડર છે એટલે એ લોકો વિરોધનો ઝંડો ઝાલીને ઊભા થઈ ગયા છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોને મુસ્લિમોના મતો જોઈએ છે એટલે તેમના વિરોધને મુસ્લિમોનો વિરોધ માનીને કોંગ્રેસ સહિતના વિપક્ષો રોડાં નાખી રહ્યા છે. વકફ બોર્ડ ઍક્ટમાં સુધારા દેશહિતમાં જરૂૂરી છે તેથી મોદી સરકારે આ વિરોધને ખાળીને મક્કમતા બતાવવાની જરૂૂર છે, રાજકીય ઇચ્છાશક્તિ બતાવવાની જરૂૂર છે. બાકી આ રીતે ચાલ્યા કરે તો જેપીસીનો રિપોર્ટ જ નહીં તૈયાર થાય ને વકફ ઍક્ટમાં સુધારા જ નહીં થાય.
