ભારતીય રેલવેએ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું 217 મિનિટમાં સફળતાપૂર્વક પરિવહન કર્યું છે. સુરતથી અમદાવાદ સુધી ટ્રેન નં. 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ મારફતે જીવંત હૃદયને સુરક્ષિત રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવામાં આવ્યું. આ હૃદયનું પ્રત્યારોપણ અમદાવાદ સ્થિત યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે કરવામાં આવશે.
આ અત્યંત સંવેદનશીલ અને સમયબદ્ધ જીવનરક્ષક અભિયાન ભારતીય રેલવે, ગુજરાત રાજ્ય પોલીસ, રેલવે સુરક્ષા દળ (RPF) તથા તબીબી ટીમો વચ્ચેના ઉત્તમ સંકલનનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે. ભારે વરસાદના કારણે વિમાની સેવા બંધ હોવાથી ટ્રેન મારફત જીવંત હૃદયને નિયત સ્થળે પહોંચાડવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો.
જીવંત હૃદયને અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 1 થી યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સુધી સુરક્ષિત અને અવરોધરહિત રીતે પહોંચાડવા માટે RPF અને ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા વિશેષ ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. તેના પરિણામે અંગને નિર્ધારિત સમયમર્યાદામાં હોસ્પિટલ સુધી પહોંચાડી શકાયું, જેથી પ્રત્યારોપણ પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય.
આ ઐતિહાસિક મિશનની સફળતામાં ભારતીય રેલવેના વિવિધ વિભાગો, RPF, ગુજરાત રાજ્ય પોલીસ, તબીબો, અંગ પ્રત્યારોપણ સંકલનકારો તેમજ સંબંધિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તમામ એજન્સીઓ વચ્ચેના અસરકારક અને ઝડપી સંકલનને કારણે આ પડકારજનક જીવનરક્ષક અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 96મુ સફળ અંગદાન થયું છે. કીમના પીપોદ્રા ખાતે સંચા ખાતામાં કામ કરતા ઓડિશાના 36 વર્ષીય યુવાન મિથુન સ્વૈનના 2 કિડની, લીવર અને હૃદયના દાનથી 4ને નવજીવન મળશે. આ અંગદાનમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જીવનદાતા બની હતી. કારણ કે દેશમાં સૌપ્રથમવાર હ્રદયને વંદે ભારત ટ્રેન મારફતે ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવાયું હતું. સુરતથી અંદાજે 217 મિનિટ (3.45 કલાક)માં હ્રદયને અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું.
ઓડિશાના ગંજામ જિલ્લાના કાળાખાડી, સિદ્ધપુરના વતની અને સુરતના કીમ ખાતે રહેતા સંચાનું કામ કરતા 36 વર્ષીય મિથુન લક્ષ્મણભાઇ સ્વૈનના લીવર અને 2 કિડની અને હૃદયના દાનથી 4 વ્યક્તિઓને નવજીવન મળશે.
અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, ભારતીય રેલવે માટે આ અત્યંત ગૌરવ અને સંતોષની ક્ષણ છે કે વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદયને સુરક્ષિત અને સમયસર પહોંચાડવામાં સફળતા મળી છે. આવા જીવનરક્ષક મિશનમાં દરેક ક્ષણ અમૂલ્ય હોય છે. ભારતીય રેલવે, RPF, ગુજરાત રાજ્ય પોલીસ અને તબીબી ટીમો વચ્ચેના ઉત્તમ સંકલનથી આ અભિયાન સફળ બન્યું છે. કોઈ વ્યક્તિનું જીવન બચાવવામાં ભારતીય રેલવેની ભૂમિકા નિભાવવી એ અમારા માટે માત્ર જવાબદારી જ નહીં, પરંતુ સેવા અને માનવતાપ્રતિની સર્વોચ્ચ પ્રતિબદ્ધતા છે.
