ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે અનેક વિચિત્ર અને રસપ્રદ કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ ભરૂૂચ જિલ્લામાં એક એવો બનાવ બન્યો છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજ્ય સરકારના મંત્રી અને ભાજપના કદાવર નેતાના સગા ભાઈ જ હવે વિરોધ પક્ષ કોંગ્રેસ તરફથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ભરૂૂચની હાંસોટ જિલ્લા પંચાયત બેઠક પરથી રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના સગા ભાઈ વલ્લભ પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે.
સામાન્ય રીતે રાજકીય પરિવારોમાં વિચારધારા અલગ હોવાના કિસ્સા બનતા હોય છે, પરંતુ મંત્રીના ભાઈ જ જ્યારે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવે ત્યારે તે ચર્ચાનો વિષય બને તે સ્વાભાવિક છે. ઇશ્વરસિંહ પટેલના સગા ભાઈ વલ્લભ પટેલ આજે વિધિવત રીતે કોંગ્રેસના બેનર હેઠળ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરશે. આ ઘટનાને પગલે હાંસોટ પંથકમાં ’ઘરના જ ઘાતકી’ જેવી સ્થિતિ સર્જાઈ છે કે કેમ તે બાબતે લોકોમાં ચર્ચાઓ શરૂૂ થઈ છે.
એક તરફ ઈશ્વરસિંહ પટેલ ભાજપના શાસન અને નીતિઓના પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ તેમના જ ભાઈ કોંગ્રેસની વિચારધારા સાથે પરિવર્તનની લડાઈ લડશે. આ કિસ્સો ભાજપ માટે થોડો ક્ષોભજનક સાબિત થઈ શકે છે, જ્યારે કોંગ્રેસ આ તકનો ઉપયોગ મજબૂત લડત આપવા માટે કરશે. ભરૂૂચની આ હાઈપ્રોફાઈલ લડાઈ પર હવે આખા રાજ્યની નજર ટકેલી છે.
