બાંગ્લાદેશમાં ડાર્ક પ્રિન્સના સ્વાગતમાં લાખો લોકો ઉમટ્યા

પૂર્વ વડાપ્રધાન ખાલિદા મિર્ઝાના પુત્ર અને બીએનપીના નેતા તારિક રહેમાન પત્ની અને પુત્રી સાથે પરત ફર્યા: રાજકારણમાં નવાજુનીના એંધાણ ગુજરાત મિરર, ઢાકા,તા.25 બાંગ્લાદેશના રાજકારણના શક્તિશાળી…

પૂર્વ વડાપ્રધાન ખાલિદા મિર્ઝાના પુત્ર અને બીએનપીના નેતા તારિક રહેમાન પત્ની અને પુત્રી સાથે પરત ફર્યા: રાજકારણમાં નવાજુનીના એંધાણ

ગુજરાત મિરર, ઢાકા,તા.25
બાંગ્લાદેશના રાજકારણના શક્તિશાળી નેતા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન આજે લંડનથી ઢાકા પરત ફર્યાં છે. 17 વર્ષના લાંબા દેશનિકાલ બાદ તેમની આ વાપસી એવા સમયે થઈ છે જ્યારે બાંગ્લાદેશ ફેબ્રુઆરી 2026માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓની તૈયારી કરી રહ્યું છે. તારિકની હાજરીથી વચગાળાની મોહમ્મદ યુનુસ સરકાર અને પડોશી દેશ ભારત માટે નવા રાજકીય સમીકરણો રચાય તેવી શક્યતા છે.

અહેવાલો અનુસાર, તારિક રહેમાનના આગમન માટે ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. સુરક્ષાના કારણોસર એરપોર્ટ પર સામાન્ય લોકોના પ્રવેશ પર સાંજે 6 વાગ્યા સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. યુનુસ સરકારે તારિક રહેમાનને VIP સુરક્ષા (SSF) પૂરી પાડી છે. એરપોર્ટ પર SWAT ટીમો તહેનાત કરાઈ હતી અને તેમના માટે ખાસ બુલેટપ્રૂફ વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

એરપોર્ટની બહાર ઇગઙના લાખો કાર્યકરો તેમના નેતાના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા, જેને પક્ષના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવે છે.

તારિક રહેમાન ભૂતપૂર્વ પ્રમુખ ઝિયાઉર રહેમાનના પુત્ર છે અને 2008 થી લંડનમાં રહે છે. શેખ હસીનાના શાસન દરમિયાન તેમને અનેક કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જેને બીએનપી રાજકીય કાવતરું ગણાવે છે. 2007 માં ભ્રષ્ટાચારના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની અટકાયત દરમિયાન ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ અને ત્રાસના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. 2008 માં, તેમને જામીન આપવામાં આવ્યા હતા અને સારવાર માટે લંડન જવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યાં તેઓ રહે છે.

2004 માં ઢાકા ગ્રેનેડ હુમલા કેસમાં પણ તેમને ગેરહાજરીમાં સજા ફટકારવામાં આવી હતી, જેમાં 24 લોકો માર્યા ગયા હતા, જ્યારે શેખ હસીના માંડ માંડ બચી ગયા હતા. 2008 માં, ઢાકા ટ્રિબ્યુન દ્વારા 2001 થી 2006 દરમિયાન બીએનપી શાસન દરમિયાન ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેમાં તેમને “ડાર્ક પ્રિન્સ” કહેવામાં આવ્યા હતા. જો કે, છેલ્લા વર્ષમાં, અદાલતોએ તેમને તમામ મોટા કેસોમાં નિર્દોષ જાહેર કર્યા છે.

યુનુસ સરકાર અને ભારત પર શું અસર પડશે?
ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ યુનુસે તારિકની વાપસી માટે માર્ગ મોકળો કર્યો છે, પરંતુ બીએનપી હવે વહેલી ચૂંટણી અને સત્તાના હસ્તાંતરણ માટે દબાણ વધારી શકે છે. તારિક રહેમાનને પરંપરાગત રીતે ’ભારત વિરોધી’ અને ’પાકિસ્તાન તરફી’ ઝુકાવ ધરાવતા નેતા માનવામાં આવે છે. તેમની વાપસીથી ભારત-બાંગ્લાદેશના વ્યૂહાત્મક સંબંધોમાં નવા વળાંકો આવી શકે છે. 12મી ફેબ્રુઆરી 2026ના રોજ યોજાનારી ચૂંટણીમાં તારિક રહેમાન વડાપ્રધાન પદના સૌથી પ્રબળ દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *