લાંબા સમયથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોતા ગીર પંથકના લોકો માટે મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું હતું. ગત સાંજથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ મોડી રાત્રિથી શરૂૂ થયેલો વરસાદ દિવસભર અવિરત વરસ્યો હતો. કોડીનાર શહેર સહિત સમગ્ર તાલુકામાં સારો વરસાદ નોંધાતા સર્વત્ર પાણી જ પાણીનું દૃશ્ય સર્જાયું હતું.
કોડીનારમાં આજે સવારે 24 કલાકમાં છ ઇંચ વરસાદ નોંધાયો હતો, વરસાદ હજુ પણ ચાલુ હોવાથી આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ધોધમાર વરસાદને કારણે કોડીનાર શહેરના પાણી દરવાજા વિસ્તાર, બસ સ્ટેન્ડ, સુગર ફેક્ટરી રોડ, હરિૐ ચોક સહિતના નીચાણવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને શેરીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તેમ છતાં વાહન વ્યવહાર મોટા ભાગે પૂર્વવત રહ્યો હતો અને જનજીવન સામાન્ય રહ્યું હતું.
બીજી તરફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 4 થી 6 ઇંચ સુધી વરસાદ વરસતા ખેતરો પાણીથી લબાલબ બની ગયા હતા. વરસાદના કારણે વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. વરસાદના પાણીથી જમીનમાં પૂરતો ભેજ ઉતરતાં કપાસ, મગફળી, તલ, સોયાબીન સહિતના ખરીફ પાકોની વાવણીને વેગ મળશે તેમજ જ્યાં વાવણી થઈ ચૂકી છે ત્યાં પાકના સારા ઉછેર માટે પણ આ વરસાદ ખૂબ લાભદાયી બનશે.
કોડીનારમાં વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે. પરંતુ બીજી તરફ સીઝનના પ્રથમ જ સારા વરસાદે વીજ વિભાગની પ્રી-મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા પણ ઉજાગર કરી દીધી છે.
ગઈ રાત્રિથી વરસાદ શરૂૂ થતાં જ કોડીનાર શહેર અને આસપાસના વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યા સર્જાઈ હતી. અંદાજે છેલ્લા 20 કલાક દરમિયાન ટુકડે-ટુકડે મળીને પાંચથી છ કલાક સુધી વીજળી ગુલ રહેતા શહેરીજનો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદના કારણે એક તરફ શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી તો બીજી તરફ અંધારપટ અને વીજ વિક્ષેપે લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો. વીજ વિભાગ દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં વીજ લાઈનો, ટ્રાન્સફોર્મરો અને અન્ય વીજ માળખાની પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે. જોકે પ્રથમ જ વરસાદમાં સતત વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોમાં એવી ચર્ચા ઉઠી છે કે આ કામગીરી માત્ર કાગળ પર જ મર્યાદિત રહી હોય તેમ લાગી રહ્યું છે.
