ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગુંદી ગામમાં વાહન ચેકિંગ દરમિયાન મહિલા સહિત ના ટોળાએ પોલીસ પર થયેલા હુમલાની ઘટનાને પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું છે. ગઇકાલે રાત્રે બનેલી આ ઘટના બાદ આજે પોલીસ અને મહેસૂલ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ડ્રોન કેમેરાની મદદથી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન પોલીસ પર હુમલો કરનાર ટોળામાંથી મહિલાઓ સહિત 20 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
આ કાર્યવાહીમાં માત્ર પોલીસ જ નહીં, પરંતુ તાલુકા વિકાસ અધિકારી (TDO) ની ટીમ પણ જોડાઈ હતી. એસપીજી, એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમોએ મેજિસ્ટ્રેટની હાજરીમાં તપાસ હાથ ધરી હતી. ગુંદાળા અને કુંભણિયા વિસ્તારમાં 110થી વધુ પોલીસ જવાનોએ સર્ચ કર્યું હતું. ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી ગુનેગારોને શોધી કાઢવામાં આવ્યા હતા.
સર્ચ ઓપરેશન દરમિયાન સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણો પણ તંત્રના ધ્યાને આવ્યા હતા, જેના માટે જવાબદાર લોકોને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, વીજ કંપનીની ટેકનિકલ ટીમે ગામમાં તપાસ કરી અનેક ગેરકાયદે વીજ જોડાણો કાપી નાખ્યા હતા.
પોલીસની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોઈપણ અઘટિત ઘટનાને પહોંચી વળવા માટે મેડિકલ ટીમ પણ સ્થળ પર તૈનાત રાખવામાં આવી હતી. હાલ ગુંદી ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
