છ સિનિયર રેસિડન્ટ તબીબોની ગુંડાગીરી, સતત છ માસ સુધી તાલિબાની સજા આપી, કમિટી દ્વારા તપાસનો ધમધમાટ
દર મહિને અઢી લાખ પડાવ્યા, દારૂ મગાવ્યો, કુકડા બનાવ્યા, આખી રાત એક પગે ઉભા રાખ્યા, 15 દિવસ ન્હાવા દીધા નહીં
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં ફરી એકવાર રેગિંગની શરમજનક અને ચકચારી ઘટના પ્રકાશમાં આવતા તબીબી આલમ સહિત સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામી છે. કોલેજના ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 13 જેટલા જુનિયર રેસિડન્ટ તબીબોને છેલ્લા પાંચેક મહિનાથી દ્વિતીય વર્ષના 6 સિનિયર રેસિડન્ટ તબીબો દ્વારા માનસિક અને અમાનવીય શારીરિક ત્રાસ આપી આકરી તાલિબાની સજાઓ અપાતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ મામલે પીડિત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી ઓનલાઇન ફરિયાદના આધારે મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ સ્કવોર્ડ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સઘન તપાસ શરૂૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરની સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગમાં આ સમગ્ર કાળી કરતૂત ચાલી રહી હતી. નામ ન આપવાની શરતે ભોગ બનનાર જુનિયર તબીબોએ પોતાનો રૂૂંવાડા ઊભા કરી દે તેવો ત્રાસ વર્ણવતા જણાવ્યું હતું કે, સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા તેઓની પાસેથી દર મહિને અઢી લાખ રૂૂપિયા પડાવવામાં આવતા હતા અને વિદેશી દારૂૂની બોટલો મંગાવવામાં આવતી હતી. આટલું જ નહીં, રાત્રિના સમયે જુનિયરોને કુકડા બનાવવામાં આવતા અને આખી રાત એક પગે ઊભા રાખવાની ક્રૂર સજા અપાતી હતી.
તબીબોને ટ્રોમા સેન્ટરની બહાર નીકળવા પર પ્રતિબંધ હતો તેમજ જમવા અને સુવાનો પૂરતો સમય પણ આપવામાં આવતો ન હતો. અત્યંત ગંભીર બાબત એ છે કે, એક્સ-રે વિભાગમાં ફરજ દરમિયાન રેડિયેશનથી બચવા માટેનું જરૂૂરી ’લેડ એપ્રન’ પણ પહેરવા દેવામાં આવતું ન હતું, જે તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. હદ તો ત્યારે થઈ જ્યારે છેલ્લા 15 દિવસથી જુનિયર તબીબોને ન્હાવા સુદ્ધા દેવામાં આવ્યા ન હતા.
આ અમાનવીય ત્રાસથી કંટાળીને આખરે તમામ 13 જુનિયર તબીબોએ હિંમત એકઠી કરી લેખિત અને ઓનલાઇન ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મળતા જ કોલેજ પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે અને એન્ટી રેગિંગ સ્કવોર્ડના સભ્યોએ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. તપાસના ભાગરૂૂપે અત્યાર સુધીમાં ભોગ બનનાર તમામ 13 જુનિયર તબીબોના વિગતવાર નિવેદનો નોંધી લેવામાં આવ્યા છે, જ્યારે આજે આરોપી એવા 6 સિનિયર રેસિડન્ટ તબીબોને પણ પૂછપરછ માટે બોલાવી તેમની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગનો આ પ્રથમ કિસ્સો નથી. આ પૂર્વે વર્ષ 2023 અને 2025માં પણ આવી જ ગંભીર રેગિંગની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેમાં દોષિત સાબિત થયેલા તબીબો સામે કડક પગલાં ભરી તેઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.
આ ઇતિહાસ છતાં ફરી એકવાર આવી શરમજનક ઘટનાનું પુનરાવર્તન થતાં કોલેજ તંત્રની સુરક્ષા અને દેખરેખ સામે અનેક સવાલો ઊભા થયા છે. ભોગ બનનાર જુનિયર તબીબોએ આ મામલે તટસ્થ તપાસ કરી દોષિત સિનિયરો સામે કડકમાં કડક ન્યાયાત્મક અને શિસ્તભંગના પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.
