ઘણી વખત ઘટના બની ગયા બાદ IBના રિપોર્ટ આવે છે: મુખ્યમંત્રી

હું જ શ્રેષ્ઠ છુંની માનસિકતા છોડવી પડશે, ઇગો બહાર રાખીને એકબીજાના વિચારો સ્વીકારવા જરૂરી: હર્ષ સંઘવી ગાંધીનગર ખાતે બે દિવસીય ક્રાઇમ કોન્ફરન્સમાં અધિકારીઓના કલાસ લેતા…

હું જ શ્રેષ્ઠ છુંની માનસિકતા છોડવી પડશે, ઇગો બહાર રાખીને એકબીજાના વિચારો સ્વીકારવા જરૂરી: હર્ષ સંઘવી

ગાંધીનગર ખાતે બે દિવસીય ક્રાઇમ કોન્ફરન્સમાં અધિકારીઓના કલાસ લેતા મુખ્યમંત્રી-ગૃહમંત્રી

ગાંધીનગર સચિવાલયમાં નમર્દા હોલ ખાતે આજથી રાજ્યસ્તરીય બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીના ક્લાસ લીધા હતા. ક્રાઈમ કોન્ફરન્સમાં ઉપસ્થિત અધિકારીઓ સાથે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરી અને ભવિષ્યમાં પોલીસિંગને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ઇન્ટેલિજન્સ બ્યુરોની કામગીરી અંગે મહત્વપૂર્ણ ટકોર કરી જણાવ્યું હતું કે, ઘણી વખત આઈબીના રિપોર્ટ ઘટના બની ગયા બાદ આવે છે, જેના કારણે તે માત્ર માહિતી પૂરતા રહી જાય છે. જો સમયસર અને ચોક્કસ ઇન્ટેલિજન્સ મળે તો ગુનાખોરી અટકાવવામાં મોટો ફાયદો થઈ શકે. આ સાથે તેમણે કહ્યું કે, પ્રજાનો વિશ્વાસ જીતશો તેટલો ફાયદો થશે.

ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીયે અધિકારીઓને હળવી પરંતુ સ્પષ્ટ ટકોર કરી હતી. તેમણે કહ્યું કે હું જ સર્વશ્રેષ્ઠ છું એવી માનસિકતા છોડવી પડશે. જે અધિકારી સારું કામ કરે છે, તેનું અનુકરણ થવું જોઈએ. ઈગો બહાર રાખીને એકબીજાના વિચારોને સ્વીકારવાથી જ પોલીસ વ્યવસ્થા મજબૂત બનશે. તેમણે ખુલ્લા મનથી ચર્ચા કરવાની અપીલ કરી.

ડીજીપી વિકાસ સહાયે ઉપસ્થિત પોલીસ અધિકારીઓને ઉદબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત પોલીસ દ્વારા ડ્રાઈવ અને કોમ્યુનિટી રીચના ક્ષેત્રમાં સારી કામગીરી કરવામાં આવી છે, તેમ છતાં વ્યવસ્થામાં સુધારાની સંભાવના હંમેશા રહે છે. સાયબર ક્રાઈમ, નાર્કોટિક્સ, કોસ્ટલ સિક્યોરિટી અને ટેકનોલોજીના ઉપયોગ જેવા પડકારજનક વિષયો પર ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવશે.

ક્રાઇમ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, પોલીસ પ્રજાથી દૂર રહેશે તો સાચી માહિતી સુધી પહોંચી શકાશે નહીં. પોલીસ મથક અને ચોકી સુધી ઇન્ટેલિજન્સ પહોંચે તેવો મજબૂત માળખો ઊભો કરવાની જરૂૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન મુજબ ડ્રગ્સ જેવી સમસ્યામાં ખાસ કરીને યુવાનોને પ્રેમથી સાચા માર્ગે વાળવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સજા કરતા પુનર્વસનના સફળ ઉદાહરણો સામે લાવવાની જરૂૂર છે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ માત્ર ચર્ચા નહીં પરંતુ પ્રજાજનો માટે શ્રેષ્ઠ પોલીસિંગ કેવી રીતે આપી શકાય, ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કેવી રીતે થાય અને ભવિષ્યમાં પડકારોને કેવી રીતે સામનો કરવો એ છે.

પોલીસ અધિકારીઓના મોબાઈલ બહાર મૂકાવડાવ્યા
રાજ્યસ્તરીય બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના ગુહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને જણાવ્યું કે, નવી વસ્તુઓ શીખવા માટે ઈગો બહાર મૂકીને આવવું પડશે. ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ અધિકારીઓને પોતાનાં મોબાઈલ ફોન બહાર મૂકીને આવવા સૂચના અપાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને મોબાઈલ બહાર મૂકવાની સૂચના આપી હતી. જેથી તમામ સિનિયર આઈપીએસ અધિકારીઓએ પોતાની ગાડીઓ બોલાવીને મોબાઈલ બહાર મૂકાવ્યા હતા. જો કે, કોન્ફરન્સ બહાર મોબાઈલ મુકવાની વ્યવસ્થા હતી. પણ ત્યાં બહાર પોતાનો મોબાઈલ મુકવાના બદલે અધિકારીઓએ પોતાની ગાડી બોલાવીને ગાડીમાં જ પોતાના મોબાઈલ મુક્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *