આજે વહેલી સવારે મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના પ્લેન ક્રેશ થતાં મોત થયા હતાં. જેના પગલે દુર્ઘટના કયા કારણે ઘટી તે અંગે અને શંકા કુશંકાઓ થઈ રહી છે. અગાઉ પ્રારંભીક માહિતીમાં આ દુર્ઘટના ઓછી વિઝીબીલીટીને કારણે થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. હાલ એ પણ વસ્તુ સામે આવી છે કે સવારે 8.45 અકસ્માત થયો ત્યારે સીસીટીવી કેમેરામાં ખાસ વિઝીબીલીટી ડાઉન હતી નહીં.
આજે સવારે મહારાષ્ટ્રનાં ડેપ્યુટી પી.એમ. અજિત પવાર મુંબઈથી બારામતીમાં જિલ્લા પરિષદની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જનસભાને સંબોધવા જઈ રહ્યા હતાં ત્યારે લેન્ડીંગ સમયે તેમનું પ્રાઈવેટ જેટ વિમાન ક્રેશ થયું હતું. જેને લઈને સૌથી પહેલા વિમાન ઓપરેટર કંપની વી.એસ.આર.નું નિવેદન સામે આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે વિમાનમાં કોઈ પ્રકારની ટેકનીકલ ખામી ન હતી. પરંતુ ઓછી વિઝીબીલીટીને હિસાબે આ દુર્ઘટના બની હોય શકે છે. પરંતુ દુર્ઘટનાના પાંચ કલાક પછી આ પ્લેન ક્રેશના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં દૂરથી વિમાન અકસ્માત સમયે થયેલો વિસ્ફોટ અને રાખનું વાદળ જોઈ શકાય છે.
પરિણામે એ પણ સ્પષ્ટ થયું છે કે બહુ દૂર લાગેલા સીસીટીવીમાં આ દુર્ઘટના ચોખ્ખી દેખાય છે. જેથી અકસ્માત સમયે ત્યાં વિઝીબીલીટી સારી હતી અને ખાસ વિઝીબીલીટી ન હોવાને લીધે આ અકસ્માત થયું હોય તેવું માનવું પણ ભુલ ભરેલું છે.
હાલમાં આ દુર્ઘટનાની તપાસ માટે સરકાર દ્વારા એ.એ.આઈ.બી.ને આદેશો આપી દેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે દિલ્હી સ્થિત વિમાન ઓપરેટર કંપની વી.એસ.આર.ની ઓફિસ પર પણ તપાસ ચાલુ કરી દેવાઈ છે. આ ઉપરાંત એવીએશન સાથે સંકળાયેલી સંસ્થા ડી.જી.સી.એ. તેમજ અન્ય એજન્સીઓને પણ તપાસ માટે આદેશ આપી દેવાયા છે.
