આરએસએસ અને કરણીસેના પરના આરોપો સંબંધિત સંસ્થાઓએ નકાર્યા
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સહિત 25 સાંસદોને ગોળી મારવાની ધમકી આપનાર રાજ સિંહ આમેરાની પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા અટકાયત કરી છે. કોટા શહેર પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આપવામાં આવેલી ધમકીની ગંભીરતાથી નોંધ લઈને આરોપીને કસ્ટડીમાં લીધો છે. કોટા શહેરના એસપી તેજસ્વિની ગૌતમ દ્વારા જારી કરવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે આ મામલે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.
વીડિયોમાં રાજ સિંહ આમેરાએ પોતાને કરણી સેનાના કોટા વિભાગના પ્રભારી ગણાવ્યા હતા. બીજી તરફ, કરણી સેનાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, “આની સાથે અમારો કોઈ સંબંધ નથી.” હાલમાં જે એકાઉન્ટ પરથી ધમકી આપવામાં આવી હતી તે બંધ કરી દેવામાં આવ્યું છે. આમેરા કોટાનો રહેવાસી છે અને તેણે ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ મૂકીને ધમકી આપી હતી.
રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાએ જણાવ્યું હતું કે, “લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને જાહેરમાં હત્યાની ધમકી આપવામાં આવી રહી છે, આ છજજ ની એ જ ઝેરી માનસિકતા છે જેણે ક્યારેક નથુરામ ગોડસેને જન્મ આપ્યો હતો. આ ભાજપ-આરએસએસની કટ્ટર વૈચારિક ઉગ્રતાનું મોડલ છે, જ્યાં અસંમતિ અને વિરોધને ’રાષ્ટ્ર-વિરોધી’ ગણાવીને પહેલા વાતાવરણ બનાવવામાં આવે છે અને અંતે હિંસા માટે જમીન તૈયાર કરવામાં આવે છે.” જો કે નાગપુરના આરએસએસના પ્રવકતાએ કહ્યું હતું કે આ શખ્સ સાથે સંઘને કોઇ સંબંધ નથી.
