ભાજપ છોડીને તૃણમૂલમાં આવેલા બાબુલ સુપ્રિયો પણ સંસદમાં જશે
તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ આગામી રાજ્યસભા ચૂંટણી માટે તેના ચાર ઉમેદવારોના નામ જાહેર કરી દીધી છે. પાર્ટીએ આ વખતે વહીવટી, કાનૂની અને ગ્લેમર જગતના અનુભવીઓનું એક અનોખું મિશ્રણ મેદાનમાં ઉતાર્યું છે. TMCએ બાબુલ સુપ્રિયો, પશ્ચિમ બંગાળના પૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) રાજીવ કુમાર, વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામી અને બંગાળી ફિલ્મ અભિનેત્રી કોયલ મલ્લિકને તેમના ઉમેદવાર બનાવ્યા છે.
પૂર્વ પોલીસ મહાનિર્દેશક રાજીવ કુમાર હાલમાં જ સેવામાંથી નિવૃત્ત થયા છે. તેમનું છેલ્લું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક તરીકે હતું. તેમને મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જીના નજીકના સહયોગી માનવામાં આવે છે.
રાજ્યમાં અનેક સંવેદનશીલ મામલામાં તેમની ભૂમિકાની ખૂબ જ ચર્ચા થઈ છે. હવે સક્રિય રાજકારણમાં તેમની એન્ટ્રીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી કોયલ મલ્લિકને પણ ટીએમસી દ્વારા રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવી છે. કોયલ બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા રણજીત મલ્લિકની પુત્રી છે. તેણીએ ઘણી સફળ ફિલ્મોમાં અભિનય કર્યો છે
અને પોતાની અલગ ઓળથ બનાવી છે. જો કે, કોયલ મલ્લિક અત્યાર સુધી સક્રિય રાજકારણથી દૂર રહી છે.
વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામીને પણ પાર્ટી દ્વારા રાજ્યસભાની ટિકિટ પણ આપવામાં આવી છે. તેઓ હાલમાં કોલકાતા હાઈકોર્ટમાં ટીએમસીને લગતા IPAC કેસની દલીલ કરતા જોવા મળ્યા હતા. બંધારણીય અને જાહેર મહત્વના મામલાઓમાં તેમની કુશળતાને ટાંકીને પાર્ટીએ તેમને સંસદના ઉપલા ગૃહ માટે પસંદ કર્યા છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન ટીએમસી નેતા બાબુલ સુપ્રિયો પર પાર્ટીએ ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયા પછી, તેઓ રાજ્યના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના નામાંકનથી એ પણ સંકેત મળે છે કે પાર્ટી અનુભવી અને જાણીતા વ્યક્તિઓને સંસદમાં મોકલવા માંગે છે.
