દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કથિત રીતે હાઇજેકનો પ્રયાસ થયો હોવાના અહેવાલ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ કથિત ષડયંત્રમાં વિમાનના જ કો-પાયલટનું નામ સામે આવ્યું છે. ઓમાની કો-પાયલટે કથિત રીતે વિમાનને હાઇજેક કરી તેલ અવીવની કોઈ ઊંચી ઇમારત સાથે અથડાવવાનું કાવતરું રચ્યું હતું. જોકે, ભારતીય પાયલટ સ્મિત મચ્છરની સમયસૂચકતા અને હિંમતના કારણે આ કથિત ષડયંત્ર નિષ્ફળ ગયું હતું.
30 સપ્ટેમ્બરના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ અફરાતફરી સર્જાઈ હતી.ઇટાલિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 29 વર્ષીય ઓમાની કો-પાયલટ હમ્મામ અલ-હમ્મામીએ અચાનક કોકપિટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર ઇમરજન્સી કુહાડીથી હુમલો કર્યો હતો.
હુમલામાં સ્મિત મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ત્યારબાદ કો-પાયલટે કથિત રીતે વિમાનનું કંટ્રોલ પોતાના હાથમાં લઈ તેને ઝડપથી નીચે તરફ વાળ્યું હતું. માત્ર 30 સેકન્ડમાં વિમાન આશરે 16 હજાર ફૂટ નીચે આવી ગયું હતું. આ દરમિયાન ફ્લાઇટમાં સવાર 174 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સના જીવ જોખમમાં મુકાયા હતા.
ઈઝરાયલી ગુપ્તચર એજન્સીના અહેવાલો મુજબ, આતંકવાદી માનસિકતા ધરાવતા અલ-હમ્મામીની યોજના વિમાનને તેલ અવીવ લઈ જઈને ત્યાંની કોઈ ઊંચી ઇમારત સાથે અથડાવવાની હતી. તેની આ યોજના એટલી ઝડપી હતી કે અધિકારીઓ કે લડાકુ વિમાનોને કોઈ વાતચીત કરવાનો કે પ્રતિક્રિયા આપવાનો સમય ન મળે. ફ્લાઇટમાં તે સમયે 174 મુસાફરો અને ક્રૂના 6 સભ્યો સવાર હતા. .પરંતુ ગંભીર રીતે ઘાયલ હોવા છતાં ભારતીય પાયલટ સ્મિત મચ્છરે હિંમત હારી નહીં. તેઓ કોકપિટમાંથી બહાર આવી અન્ય ક્રૂ મેમ્બર્સ અને કેટલાક મુસાફરોની મદદ મેળવવામાં સફળ રહ્યા.
ત્યારબાદ સૌએ મળીને કો-પાયલટને કાબૂમાં લીધો અને ઝડપથી નીચે આવી રહેલા વિમાનને ફરી નિયંત્રણમાં લાવવામાં સફળતા મેળવી.પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ ફ્લાઇટનું સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.સાઉદી સત્તાવાળાઓએ કો-પાયલટને કસ્ટડીમાં લીધો હતો અને પૂછપરછ બાદ તેને UAE મોકલવામાં આવ્યો હોવાના અહેવાલ છે.સૌથી રાહતની વાત એ છે કે આ સમગ્ર ઘટનામાં ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા.
