જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ઉધમપુરના મજલ્ટા વિસ્તારમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે અને હજુ પણ આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બુધવારે રાત્રે લગભગ 9 વાગ્યે મજલ્ટાના દુર્ગમ વિસ્તારો (બ્રટેલ સોન અને ખુબ્બાન)માં આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી. ત્યારબાદ સેના, પોલીસ અને સીઆરપીએફ (CRPF) દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષાકર્મીઓએ અથડામણના સ્થળે અન્ય એક આતંકવાદીને ઘેરી લીધો છે.
ઓપરેશન શરૂ થતાં જ જંગલમાંથી ગોળીબાર અને વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. સુરક્ષા દળોએ આતંકવાદીઓના અડ્ડાને નિશાન બનાવ્યું હતું. રાત્રિ દરમિયાન વિસ્તારમાં શાંતિ રહી હતી, પરંતુ ગુરુવારે સવારે ઘેરાબંધી તોડીને ભાગવાના પ્રયાસમાં આતંકવાદીઓએ ભારે ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો અને બે આતંકવાદીઓને ઠાર માર્યા. અથડામણ હજુ પણ ચાલુ છે અને વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
અથડામણની વચ્ચે પોલીસ વાહનોની તપાસ કરી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ ગઈકાલે મોડી સાંજે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
