મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસ્તવ્યસ્ત થયું છે. રાયગઢ જિલ્લામાં પડી રહેલા જોરદાર વરસાદ વચ્ચે એક ચોંકાવનારી ઘટના બની છે. પાતાળગંગા નદીના જોરદાર પ્રવાહમાં એક-બે નહીં પરંતુ 3 હજાર LPG સિલિન્ડર તણાઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે.
રાયગઢ જિલ્લાના પનવેલ વિસ્તારમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પાતાળગંગા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ પનવેલ તાલુકાના ચાવને સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ના બોટલિંગ પ્લાન્ટ સાથે જોડાયેલા વેરહાઉસમાંથી ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે, મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર પાતાળગંગા નદીમાં વહી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વહી ગયેલા આશરે 3,000 સિલિન્ડરમાંથી કેટલાક ભરેલા હતા, જ્યારે અન્ય ખાલી હતા.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્થાનિક લોકો દોરડા અને હૂકની મદદથી નદીમાં તણાઈ રહેલા સિલિન્ડરો બહાર કાઢતા જોવા મળી રહ્યા છે. ઘટના બાદ રાયગઢ જિલ્લા વહીવટીતંત્ર અને HPCL દ્વારા સિલિન્ડરો શોધી કાઢવા અને સુરક્ષિત રીતે પરત મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાયગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ કિશન જવાલે નાગરિકોને અપીલ કરી છે કે નદીમાં અથવા તેના કિનારામાં તણાઈ ગયેલા કોઈપણ ગેસ સિલિન્ડરની નજીક ન જાય, અને તેને પોતાની પાસે ન રાખે.
જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે હાલમાં તે સ્પષ્ટ નથી કે સિલિન્ડરો ગેસથી ભરેલા છે કે નહીં અથવા તે કેટલા સુરક્ષિત છે. તેથી, કોઈપણ સિલિન્ડરને સ્પર્શ કરવો, ખોલવો અથવા ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો અત્યંત જોખમી અને જીવલેણ પણ હોઈ શકે છે.
પ્રશાસને જનતાને અપીલ કરી છે કે જો તેઓ કોઈ તરતા ગેસ સિલિન્ડર જુએ તો તાત્કાલિક સ્થાનિક વહીવટીતંત્ર અથવા સંબંધિત અધિકારીઓને જાણ કરે અને તેનાથી સુરક્ષિત અંતર જાળવી રાખે.. પ્રાથમિક તપાસ મુજબ આ સમગ્ર ઘટના ભારે વરસાદ અને પૂરના કારણે બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાયગઢ વહીવટીતંત્રે સાવધાની રાખવા અપીલ કરી છે. અવિરત વરસાદ વચ્ચે પાતાળગંગા નદીમાં હજારો ગેસ સિલિન્ડર તરતા હોવાથી રહેવાસીઓમાં ચિંતા વધી છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને રહેવાસીઓને સતર્ક રહેવા વિનંતી કરી રહ્યું છે. લોકોને કોઈપણ સિલિન્ડર દેખાય તો તેનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
