કોમર્સિયલ ગેસની અછતને કારણે આજે બેંગ્લોરમાં તમામ રેસ્ટોરન્ટ બંધ, સમગ્ર હોટલ ઉદ્યોગમાં તોળાતી તાળાબંધી
પુના સહિત અનેક શહેરોમાં ગેસ આધારિત સ્મશાન ગૃહો સંપૂર્ણ બંધ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષની સીધી અસર હવે ભારતના રસોડા સુધી પહોંચી છે. ગેસ પુરવઠામાં વિક્ષેપ આવતા દેશના મોટા શહેરોમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે. ત્યારે કેન્દ્ર સરકારે ગેસની સંભવિત અસરને ધ્યાને લઈ દેશભરમાં એસેન્સીયલ સર્વિસ મેનેજમેન્ટ એકટ (એસ્મા) લાગુ કરી દીધો છે અને ગેસના સંગ્રહ સામે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ઘર વપરાશમાં ગેસની તંગી સર્જાઈ નહીં તે માટે સરકારે આકરા પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. જો એલપીજીની સપ્લાય ટૂંક સમયમાં જ સામાન્ય નહીં થાય તો આગામી 2 દિવસોમાં શહેરના અનેક રેસ્ટોરન્ટ કેટલાક દિવસો સુધી બંધ રાખવાની ફરજ પડી શકે છે. કોમર્શિયલ ગેસની સપ્લાય અને ડિલિવરીમાં મોડું થવાથી પરિસ્થિતિ બગડતી જઈ રહી છે.
બેંગાલુરૂૂ હોટેલ્સ એસોસિએશને જાહેરાત કરી છે કે જો ગેસનો પુરવઠો તાત્કાલિક પુન:સ્થાપિત કરવામાં નહીં આવે, તો શહેરની હજારો રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીની દુકાનો 10 માર્ચથી બંધ કરી દેવામાં આવશે. એસોસિએશનના જણાવ્યા મુજબ, અચાનક જ કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે. આનાથી માત્ર હોટેલ માલિકો જ નહીં, પરંતુ દરરોજ બહાર જમતા વિદ્યાર્થીઓ, ડોક્ટરો અને સામાન્ય નાગરિકોને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો આગામી 2 દિવસોમાં મુંબઈની તમામ રેસ્ટોરન્ટને બંધ કરવી પડી શકે છે. અત્યાર સુધી એસોસિએશનના અંદાજિત 10 થી 20 ટકા મેમ્બર્સને ગેસ સપ્લાયમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઈમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે હોટેલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં રિફિલિંગ માટે 2 થી 8 દિવસ સુધીનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે. ગેસ ડીલરોનું કહેવું છે કે રવિવારથી કોમર્શિયલ સપ્લાય લગભગ ઠપ જેવો છે, જેના કારણે રેસ્ટોરન્ટ માલિકો હવે કાળાબજારમાં મોંઘા ભાવે સિલિન્ડર ખરીદવા મજબૂર બન્યા છે. મહારાષ્ટ્રના પુણેમાં તો ગેસની અછતના કારણે ગેસ આધારિત સ્મશાનગૃહો પણ કામચલાઉ ધોરણે બંધ કરી દેવા પડ્યા છે. મુંબઈના રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવું છે કે, તેમને કોમર્શિયલ એલપીજી સિલિન્ડર નથી મળી રહ્યા.
સરકારનો નવો નિયમ ઘરવપરાશને અપાશે પ્રાધાન્ય
આ કટોકટીભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકાર અને તેલ વિતરણ કંપનીઓએ દેશમાં ગેસનો જથ્થો જાળવી રાખવા માટે કેટલાક નવા અને કડક નિયમો લાગુ કર્યા છે. ઘરમાં વપરાતા ગેસના બાટલાની નોંધણીનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. સામાન્ય નાગરિકોના ઘરમાં ચૂલો સળગતો રહે અને તેમને કોઈ તકલીફ ન પડે તે હેતુથી, અત્યારે ઘરવપરાશના ગ્રાહકોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ જ કારણસર શહેરના તમામ વિસ્તારોમાં ધંધાકીય વપરાશ માટે અપાતા ગેસના બાટલાનો જથ્થો બહુ જ મર્યાદિત કરી દેવામાં આવ્યો છે અને પુરવઠો ઘટાડી દેવામાં આવ્યો છે.
યુધ્ધના ધોરણે LPG ઉત્પાદન વધારો
સરકારે ઓછા ઉપયોગમાં લેવાતી ઇમરજન્સી સત્તાનો ઉપયોગ કરી ઓઇલ રિફાઇનરીઓને એલપીજી પ્રોડક્શન વધારવાના નિર્દેશ આપ્યા છે. સરકાર ખાડીના દેશોમાં વધતા વિવાદથી થનારી સંભવિત મુશ્કેલીઓથી બચવા માટે ડોમેસ્ટિક રસોઇ ગેસની ઉપલબ્ધતા વધારવા માંગે છે. કેન્દ્ર સરકારે ઓએનજીસી સહીતની ભારતીય સરકારી અને રિલાયન્સ જેવી ખાનગી કંપનીઓને એલપીજી ગેસનું ઉત્પાદન યુધ્ધના ધોરણે વધારવા હુકમ કર્યો છે.
