રાજકોટમાં વધતી અગનવર્ષાનું કારણ ઓછું ગ્રીન કવર

આદર્શ માપદંડ મુજબ મહાનગરોમાં ગ્રીન કવર 15 ટકા હોવું જોઈએ, રાજકોટમાં માત્ર 4.2 ટકા કાગળ પર ચિતરાતા પ્લાન્ટેશનત જમીન પર ઉગી નીકળ્યા હોત તો રાજકોટ…

આદર્શ માપદંડ મુજબ મહાનગરોમાં ગ્રીન કવર 15 ટકા હોવું જોઈએ, રાજકોટમાં માત્ર 4.2 ટકા

કાગળ પર ચિતરાતા પ્લાન્ટેશનત જમીન પર ઉગી નીકળ્યા હોત તો રાજકોટ આજે જંગલ બની ગયું હોત

મનપાની ગાર્ડન શાખામાં ‘કૌભાંડોનું વાવેતર’! 5 વર્ષમાં રાજમાર્ગો ઉપર 22 કરોડના ખર્ચે 17.50 લાખ વૃક્ષારોપણ કર્યુ પણ પરિણામ મળતુ નથી

રાજકોટમાં દર વર્ષે ઉનાળો વધુને વધુ ધોમધખતો બનતો જાય છે. જાણે જ્વાળામુખીના ઢેર પર હોય તેવો અહેસાસ થાય છે. એમાયે આ વખતે તો અગનવર્ષાએ લોકોને ત્રાહીમામ પોકારાવી દીધા છે. દર વર્ષે સતત વધતા હીટવેવ માટે જવાબદાર શહેરનું ઓછુ ગ્રીનબેલ્ટ છે.

એકબાજુ વધતા વાહનોનું વધતુ પ્રદુષણ, સિમેન્ટ-ક્રોંકિટનું વધતુ જતુ જંગલ, નાના મકાનથી માંડી મોટી ઇમારતોમાં ટનબંધ તાપ ઓકતા આઉટલેટ વચ્ચે શહેરમાં ગ્રીનબેલ્ટનું કવચ અત્યંત ઓછુ છે. આદર્શ માપદંડ મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રીન કવર 15 ટકા હોવુ જોઇએ. તેના બદલે રાજકોટમાં ગ્રીન બેલ્ટ માત્રને માત્ર 4.2 ટકા જ હોવાનું ખુદ મહાપાલિકાની ગાર્ડન શાખામાંથી સતાવાર રીતે જાણવા મળ્યું છે. બીજીબાજુ રાજકોટને ઇકો ફ્રેન્ડલી બનાવવાની મનપાની ગુલબાંગ વચ્ચે હરિયાળી માટે કરોડો રૂૂપિયાના ખર્ચે થતા પ્લાન્ટેશન માત્ર કાગળ પર જ થતા હોય તેમા શંકાને કોઇ સ્થાન નથી. રાજકોટની જનતા જાણે મુર્ખ હોય તેવા ‘હરિયાળી દાવા’ મનપાએ કર્યા છે. મનપાએ કાગળ પર એવુ ચિતરામણ કર્યુ છે કે, છેલ્લા પાંચ વર્ષમાં રૂૂ.22 કરોડના ખર્ચે રાજકોટમાં 17.50 લાખ વૃક્ષ રોડ સાઇડ પ્લાન્ટેશન થયા છે! આ વાત માનવામા આવે ખરા? જો પાંચ વર્ષમાં આટલા વૃક્ષો વાવવામા આવ્યા હોય તો શહેર જંગલ બની ગયુ હોત!

રાજકોટને ગ્રીન સિટી બનાવવાની ગુલબાંગ ઝિંકતી મનપાનું બીજુ કદરૂૂપુ રૂૂપ એ છે કે, માત્રને માત્ર સ્વપ્નોના જ વાવેતર કરવામા માને છે. મહાપાલિકાના શાસકો અને તંત્રવાહકો શહેરને ખરા અર્થમાં હરિયાળુ બનાવવા કેટલા સક્ષમ છે તેનુ માપદંડ સામે આવ્યુ છે!!

શહેરને હરિયાળુ અને પ્રદુષણમુક્ત કરવા માટે મનપાનું ઘનિષ્ઠ વૃક્ષારોપણ માત્ર કાગળ પર જ ચિતરાય છે. નવા વૃક્ષારોપણની વાત દૂર રહી, વિકાસકામમાં નડતરરૂૂપના નામે વર્ષો જુના ઘટાટોપ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામા આવે છે. બીજીબાજુ જ્યાં વૃક્ષારોપણ કે અન્ય બ્યુટિફિકેશન કરવામા આવે તેની પણ સારસંભાળ રાખવામા આવતી નથી. બળીને ઠુઠા થઇ જાય ત્યાં સુધી મનપા તેની સામે પાછું વળીને જોતી નથી.

ઘનિષ્ઠ વૃક્ષારોપણના નામે માત્ર ફોટો સેશન કરતા શાસકપક્ષના પદાધિકારીઓ અને નગરસેવકો સહિતના નેતાઓ શહેરને ખરા અર્થમાં હરિયાળુ બનાવવા નિષ્ફળ નીવડ્યા છે. સતાવાર હકિકત છે. રાજકોટમાં દર વર્ષે ગરમીમાં શા માટે સતત વધારો થઇ રહ્યો છે તેની પાછળનું કારણ જાણવા ઉંડાણપુર્વકનો અભ્યાસ કર્યો ત્યાંરે એક હકિકત એ સામે આવી છે કે, શહેરના કુલ ક્ષેત્રફળ, શહેરની વસતી, શહેરમાં દોડતા વાહનોની સંખ્યાની સરખામણીએ ગ્રીનકવર અત્યંત ઓછું છે. એક આદર્શ માપદંડ મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રીન કવર 15 ટકા હોવુ જોઇએ. તેના બદલે રાજકોટમાં છેલ્લી સ્થિતિએ ગ્રીન કવર માત્રને માત્ર 4.2 ટકા જ છે. મનપા દ્વારા છાંશવારે એવા દાવા કરવામા આવી રહ્યા છે કે ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યુ છે.

પણ આ અભિયાન માત્ર કાગળ પર જ ચાલતુ હોય તેમા શંકાને કોઇ સ્થાન નથી. મનપાની ગાર્ડન શાખાના ચોપડે થયેલા કાગળકીય ચિતરામણમાં છેલ્લા પાંચ વર્ષમાં વૃક્ષારોપણ માટે રૂૂ.22.69 કરોડનો ખર્ચ થયો છે અને આટલા ખર્ચમાં શહેરના રાજમાર્ગો સાઇડ 17 કરોડ 58 લાખ 746 વૃક્ષોનું પ્લાન્ટેશન થયુ છે. આ આંકડા મુજબ શું ખરેખર આટલુ વૃક્ષારોપણ થયુ હશે ખરા? માનવામા આવે ખરા? આવા સવાલો વચ્ચે વૃક્ષારોપણની આડમાં ભ્રષ્ટાચારના બીજનું રોપણ થયુ હોય તેવી આશંકાને નકારી શકાય તેમ નથી.

છેલ્લા બે દસકામાં વિકાસકામના નામે 3000 વર્ષો જૂના ઘટાટોપ વૃક્ષોનો જીવ હણી લેવાયો
સ્થળ વૃક્ષોની સંખ્યા
* ગોંડલ રોડ ચોકડીથી માધાપર ચોકડી સુધી બીઆરટીએસ ટ્રેક બનાવવા 925
* ન્યારી ડેમની ઉંચાઇ વધારવા માટે 200
* નર્મદાની પાઇપલાઇન નાંખવા માટે 58
* રૈયા સિમેન્ટ રોડ બનાવવા 23
* યાજ્ઞિક રોડથી હેમુગઢવી હોલ ને જોડતો દસ્તુરમાર્ગ બનાવવા 14
* રેસકોર્સ હોકી ગ્રાઉન્ડ ડેવલપ કરવા 12
* રેસકોર્સમાં ઇન્ડોર સ્ટેડિયમ સામે ટેનિસ કોર્ટ બનાવવા 5
* ભગવતીપરા ઓવરબ્રિજ બનાવવા 18
* મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીના રોડને પહોળો કરવા 20
* મોરબી રોડ પર ઓવરબ્રિજ બનાવવા 11
* રેલનગરનો અન્ડરબ્રિજ બનાવવા 14
* રિંગરોડ-2 બનાવવા માટે 23
* ખંભાળા-ઇશ્વરિયાની નર્મદાની પાઇપલાઇન નાંખવા 40
* પેડક રોડ, સંતકબીર રોડ અને ભાવનગર રોડ પહોળો કરવા 18
* કિસાનપરા ચોક અને રૈયા રોડ બ્રિજ માટે 6
* રેસકોર્સ-2 અને સ્માર્ટ સિટીના રસ્તા બનાવવા તેમજ
અન્ય નાના-મોટા વિકાસ કામ કરવા માટે 1100થી વધુ

એક બાંધકામ દીઠ બે વૃક્ષોનું ફરજિયાત વાવેતર માત્ર કાગળ પર

કમ્પ્લિશન માટે થતા ટેબલ નીચેના વહીવટમાં નિયમોનું પણ નીકળે છે નિકંદન

મનપામાં બાંધકામ પ્લાન રજૂ થાય ત્યાંરે બાંધકામ દીઠ બે વૃક્ષનું વાવેતર કરવાનું ફરજિયાત છે. તેના માટે અગાઉથી 2000 ડિપોઝિટ પેટે લેવામા આવે છે. પણ બાંધકામ પુર્ણ થયા બાદ કમ્પિલિકશન સર્ટિફિકેટ વખતે આ નિયમની અમલવારી થઇ છે કે કેમ? તેની ખરાઇ પણ કરવામા આવતી નથી. અને ખરાઇ કર્યા વગર જ કમ્પ્લિશન માટે ટેબલ નીચેના થતા વહીવટોમાં ફરજિયાત વૃક્ષારોપણના નિયમોનું પણ નિકંદન કાઢી નાખવામા આવે છે.

 

આ છે મનપાની ગાર્ડન શાખાના ચોપડે ચિતરાયેલા ‘હરિયાળી દાવા’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *