ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રાણી ગામમાં વહેલી સવારે એ પંચાયતની કચેરીમાં અચાનક એક દીપડો ઘૂસી જતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કલાકો સુધી ચાલેલા સાવચેતીભર્યા રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડાને કોઈપણ જાનહાનિ વિના સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રાણી ગામની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવર જોવા મળી રહી હતી. ગ્રામજનો દ્વારા પણ રાત્રિના સમયે દીપડો જોવા મળ્યાની ચર્ચાઓ ચાલી રહી હતી. દરમિયાન વહેલી સવારે દીપડો ગામમાં પ્રવેશી ગયો હતો અને ભટકતો ભટકતો સીધો ગ્રામ પંચાયતની કચેરીમાં ઘૂસી ગયો હતો. કચેરીમાં દીપડો હોવાની જાણ થતાં કર્મચારીઓ અને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સ્ટાફ અને સ્થાનિક આગેવાનો તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ કચેરીની આસપાસ ભીડ એકત્રિત કરી દીધી હતી, પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને ગ્રામજનો દ્વારા લોકોને સુરક્ષિત અંતરે રહેવા અપીલ કરવામાં આવી હતી.
વન વિભાગને જાણ કરાતા જેસર અને ભાવનગરથી અધિકારીઓ તથા રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ટીમે સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને કચેરીને ચારે તરફથી ઘેરી લીધી હતી. દીપડો ગભરાઈ ન જાય અને હુમલો ન કરે તે માટે અત્યંત સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલાકો સુધી ચાલેલા પ્રયાસો બાદ દીપડાને સુરક્ષિત રીતે પાંજરામાં કેદ કરવામાં સફળતા મળી હતી. રાણી ગામમાં બનેલી આ ઘટના સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા વિના પૂર્ણ થતાં ગ્રામજનો અને વન વિભાગના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે સંભવિત દુર્ઘટના ટળી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
