આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને તેમની પુત્રી હર્ષિતા કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેમનો જીવ બક્ષવાના બદલામાં 7 કરોડ રૂૂપિયાની માંગણી કરી છે. આ વ્યક્તિએ પોતે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય હોવાનો દાવો કર્યો છે.
દિલ્હીના તિલક નગર મતવિસ્તારના ’આપ’ ધારાસભ્ય જરનૈલ સિંહે આ અંગે પંજાબ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદના આધારે, એસએએસ નગર (મોહાલી)ના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
ફરિયાદ મુજબ, 6 નવેમ્બરે એક અજાણી વ્યક્તિએ જરનૈલ સિંહને ફોન કર્યો હતો. આ ઉપરાંત, તેમના અંગત વોટ્સએપ નંબર પર એક ધમકીભર્યો સંદેશ પણ મોકલવામાં આવ્યો હતો. ફોન કરનારે દાવો કર્યો કે તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે અને તેણે જરનૈલ સિંહને કહ્યું કે તેઓ કેજરીવાલને જણાવી દે કે તેમણે 7 કરોડ રૂૂપિયા ચૂકવવા પડશે; અન્યથા, અરવિંદ કેજરીવાલ અને તેમની પુત્રી બંનેને મારી નાખવામાં આવશે.
