સોની ટીવીના લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો ’ઇન્ડિયન આઇડલ સીઝન 16’ ને આખરે તેનો નવો વિજેતા મળી ગયો છે. મહિનાઓની તીવ્ર સ્પર્ધા અને કઠિન ઓડિશન બાદ ઓડિશા સ્થિત ગાયિકા જ્યોતિર્મયી નાયકે ’ઇન્ડિયન આઇડલ 16’ નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ’યાદોં કી પ્લેલિસ્ટ’ થીમ પર આધારિત ગ્રાન્ડ ફિનાલેમાં જ્યોતિર્મયીએ 5 અન્ય સ્પર્ધકો-અંશિકા ચોંકર, મનરાજ વીર સિંહ, માયસીમ બાસુ, સુહેલ સૂફી અને તનિષ્ક શુક્લાને પાછળ છોડીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. વિજેતા તરીકે તેને ચમકતી ટ્રોફી, રૂૂ. 20 લાખનું રોકડ ઇનામ અને સોની ટીવી તરફથી મ્યુઝિક કોન્સર્ટ માટે ગાયનનો કરાર મળ્યો છે.
ગ્રાન્ડ ફિનાલેની સાંજે જ્યોતિર્મયીએ સૈયાં ઓ સૈયાં ગીત ગાઈને નિર્ણાયકો અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સીઝન દરમિયાન તેણે અનેક બોલિવૂડ હસ્તીઓનું દિલ જીત્યું હતું. અભિનેત્રી હેમા માલિનીએ તેના ગીત ઓ જબ તક હૈ જાન માટે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું, જ્યારે લીના ચંદાવરકરે તેના ગીત જાને ક્યું લોગ મોહબ્બત કિયા કરતા હૈ થી પ્રભાવિત થઈને તેને ફરીથી સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઓડિયા સંગીત ઉદ્યોગમાં ઓળખ ધરાવતી જ્યોતિર્મયી એક ગાયિકા હોવાની સાથે કેન્સરના દર્દીઓ માટે ગાઈને તેમને સંગીત ઉપચાર પણ આપતી હતી. ખિતાબ જીત્યા બાદ ભાવુક થયેલી જ્યોતિર્મયીએ જણાવ્યું હતું કે, ઇન્ડિયન આઇડલ 16 નો ખિતાબ જીતવો એ એક સ્વપ્ન સમાન છે. ફક્ત એક સ્વપ્ન સાથે ઓડિશન આપવાથી લઈને વિજેતા બનવા સુધીની આ સફરે મારું જીવન બદલી નાખ્યું છે. આ ટ્રોફી મને સપોર્ટ કરનાર દરેક વ્યક્તિની છે.
