રણજી ટ્રોફી 2025-26ની ફાઈનલ મેચ જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકની ટીમો વચ્ચે હુબલીમાં રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે મેદાન પર જોરદાર હોબાળો મચી ગયો હતો. જમ્મુ-કાશ્મીરનો કેપ્ટન પારસ ડોગરા બેટીંગ કરી રહ્યો હતો તે જ સમયે શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા કર્ણાટકના કે.વી.અનીશ સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પારસે અનીશને માથે માર્યું હતું.
પારસ ડોગરાએ હેલ્મેટ પહેરીને જ અનીશના માથા પર માર્યું હતું અને તેને માથાથી ધક્કો માર્યો હતો. આ પછી કર્ણાટકના ખેલાડી મયંક અગ્રવાલે દરમિયાનગીરી કરી હતી. મયંક પણ પારસના આ હિંસક વલણથી નાખુશ દેખાતો હતો. પારસ ડોગરા સામેની મેચની મધ્યમાં જ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરના 41 વર્ષીય કેપ્ટન પારસ ડોગરાને મેચ ફીની 50 ટકા રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. પારસ અને અનીશ વચ્ચેના આ વિવાદનો વીડિયો ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
