રજત શર્મા માનહાનિ કેસમાં જયરામ રમેશ, પવન ખેરા અને રાગિણી નાયકને સમન્સ

ટીવી પત્રકારત્વના જાણીતા ચહેરા અને ઇન્ડિયા ટીવીના ચેરમેન રજત શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે…

ટીવી પત્રકારત્વના જાણીતા ચહેરા અને ઇન્ડિયા ટીવીના ચેરમેન રજત શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જયરામ રમેશ, પવન ખેરા અને રાગિણી નાયકને 27 જુલાઈ, 2026ના રોજ કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જારી કર્યા છે. આ મામલો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વીડિયો સાથે જોડાયેલો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રજત શર્માએ લાઈવ ડિબેટ દરમિયાન અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. જોકે, કોર્ટે પ્રાથમિક દૃષ્ટિએ માન્યું છે કે આ નેતાઓએ પત્રકારની છબી ખરડવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું.
આ કેસમાં સૌથી મોટો વળાંક ફોરેન્સિક સાયન્સ લેબ (એફએસએલ) ના રિપોર્ટથી આવ્યો છે.

કોર્ટે નોંધ્યું હતું કે આરોપી નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલો વીડિયો ’પોસ્ટ-પ્રોડક્શન’ દરમિયાન એડિટ કરવામાં આવ્યો હતો. મૂળ વીડિયોમાં ન હોય તેવા ટાઈટલ અને કેપ્શન પાછળથી ઉમેરીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દેવાંશી જન્મેજાએ જણાવ્યું હતું કે, પુરાવાઓ જોતા લાગે છે કે આ ત્રણેય નેતાઓએ પરસ્પર મિલીભગતથી કામ કર્યું હતું અને તેઓ જાણતા હતા કે આવા ખોટા વીડિયોથી રજત શર્માની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન થઈ શકે છે.

કોર્ટે આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 465 (બનાવટી), 471 (બનાવટી રેકોર્ડનો ઉપયોગ) અને 499/500 (માનહાનિ) હેઠળ કાર્યવાહી કરવાના પૂરતા કારણો હોવાનું માન્યું છે. લાઈવ પ્રસારણ દરમિયાન હાજર રહેલા સાક્ષીઓએ પણ રજત શર્માના પક્ષમાં નિવેદન આપતા કહ્યું છે કે તેમણે કોઈ પણ પ્રકારની અભદ્ર ભાષા વાપરી ન હતી. અગાઉ દિલ્હી હાઈકોર્ટે પણ આ મામલે કોંગ્રેસ નેતાઓને સંબંધિત પોસ્ટ હટાવવાનો આદેશ આપ્યો હતો. હવે આ કેસમાં 2026માં થનારી સુનાવણી રાજકીય અને કાયદાકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બનશે તે નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *