અમદાવાદ ટ્રાફિક પોલીસે પ્રજાજનોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ આવે અને લોકો નિયમોનું પાલન કરે તે માટે શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં કુલ 707 રજિસ્ટ્રેશન આવ્યા હતા અને 458 લોકોએ શોર્ટ ફિલ્મો બનાવી હતી. જેના સ્ક્રીનિંગ બાદ પાંચ એક્સપર્ટની કમિટી બનાવીને 53 ફિલ્મોમાંથી 15 શ્રેષ્ઠ ફિલ્મ પસંદ કરાઈ હતી.
જેમાં હેલ્મેટ વગર, રોંગસાઇડ, ત્રણ સવારીમાં ભયજનક વાહન ચલાવવું તથા ચાલુ વાહને સીટબેલ્ટ વગર વધુ સ્પીડે વાહન ચલાવવા જેવા વિષયો પર બનેલી ફિલ્મ પસંદ કરાઇ હતી. જે ફિલ્મ બનાવનારા વિજેતાઓને અમદાવાદ પોલીસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રોકડ ઇનામ આપ્યા છે. સાથે જ શ્રેષ્ઠ 50 કૃતિને પ્રશંસાપત્ર એનાયત કરાયા હતા.
આ કાર્યક્રમ અન્વયે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનરને કડક હાથે કામ કરવા પણ સૂચના આપી હતી. સાથે જ બેજવાબદારીપૂર્વક વાહન ચલાવે તેની સામે ઝડપથી ચાર્જશીટ કરીને સજા અપાવી શકાય અને તેનાથી આ પ્રકારના બનાવો ઘટે તેવી કામગીરી કરવા સૂચના આપી હતી. સાથે જ ટ્રાફિક પોલીસને સંબોધતા કહ્યું કે રોંગસાઇડ, સિગ્નલ ભંગ કરનારના બે ત્રણ કિસ્સા એવા પકડવા જોઈએ જેને જેલહવાલે કરી શકાય. આ લોકોના હાથમાં સ્લેટ પકડાવતા અન્ય વાહનચાલકો સીધા દોર થઈ જાય તેવી કામગીરી કરવા સૂચના આપી હતી.