રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ખેડૂત નેતા અને છોટે સરદાર તરીકે ઓળખાતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ યાર્ડમાં ખેડૂતોની સુવિધા માટે 12 કરોડના ખર્ચે નવનિર્મિત ઓક્શન શેડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેતપુરના ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રના અગ્રણી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિઠ્ઠલભાઈના ખેડૂતો અને સહકારી ક્ષેત્ર માટેના આજીવન યોગદાનને યાદ કરી યાર્ડના ચેરમેન જયેશ બોઘરા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “રાજનીતિમાં પાડી દેવાની વાતો સમયે સમયે ચાલતી હોય છે પણ સહકારી ક્ષેત્ર અને ખેડૂતોનો ભરોસો જીતવો એ ખૂબ મોટી વાત હોય છે. ખેડૂતોના સર્ટિફિકેટ લેવા માટે જ્યારે પણ ચૂંટણી આવે છે, ત્યારે હું મેદાનમાં જાઉં છું. અમે જે કામ કર્યું છે તે કામને લઈને માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં મત માંગવા માટે આવશું. 5 વર્ષ પહેલા અમુક આવ્યા હતા ચૂંટણી લડવા. જેઓને 1400માંથી 80 જ મત મળ્યા હતા. 50-60 મત તો ગાંડાને પણ મત મળે. મેં 5 વર્ષ પૂર્વે કહ્યું હતું કે, અમારી ટીમ પર વિશ્વાસ મૂકજો. લાગશે વાર પણ આવશે મજા.
રાદડિયાએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, “પાંચ વર્ષ પહેલાં કહ્યું હતું કે, વાર લાગશે, પણ આવશે મજા. અમે ખેડૂતોનાં કામો કરીએ છીએ. આગામી દિવસોમાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર થવાની છે. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન અમે કરેલાં કામોને આધારે તમારી પાસે મત માગવા આવીશું.” સાથે જ તેમણે વિરોધીઓ પર નિશાન સાધતાં ઉમેર્યું હતું કે, “એવા લોકો પણ આવશે, જેને કંઈ કરવું નથી અને મત માંગવા છે.
રાદડિયાના આ નિવેદનને રાજકોટ માર્કેટિંગ યાર્ડની આગામી ચૂંટણી પહેલાં સહકારી રાજકારણમાં વધતી હરીફાઈ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અગાઉની ચૂંટણીમાં જૂથવાદ અને આંતરિક રાજકીય ખેંચતાણ સામે આવ્યા બાદ યાર્ડની ચૂંટણી ફરી એકવાર મહત્વપૂર્ણ બની છે. વર્ષ 2024માં પણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન-વાઇસ ચેરમેનની વરણી સમયે ભાજપના જ વિવિધ જૂથો વચ્ચે લોબિંગની ચર્ચા થઈ હતી અને જયેશ બોઘરાને ચેરમેન તરીકે રિપીટ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પણ જૂની વાતોને યાદ કરતા કહ્યું કે, 25 વર્ષ પહેલા ગુજરાતમાં મત આપવા જતા તેને ગામના ચોરા પર મારતા જોયા છે. ધોળા દિવસે પોપટ લાખા સોરઠીયા જેવા ખેડૂતોની ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી. જોકે જયેશ રાદડિયા મર્દાનગીથી ખેડૂતોની સુરક્ષા માટે નિકળ્યા છે. સંતોષ વ્યક્ત કરતા જયેશ રાદડિયાએ કહ્યું કે, 5 વર્ષ પહેલાં જ્યારે હું યુવાનોની નવી પેનલ માટે મત માંગવા ગયો હતો ત્યારે ખેડૂતોએ 98% મતોથી અમને વિજયી બનાવ્યા હતા. ચેરમેન જયેશ બોઘરાના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં યાર્ડમાં 60 કરોડના કામો થયા છે. ખેડૂતોનો માલ વરસાદમાં પલળે નહીં તે માટે અલગ અલગ ઓક્શન શેડ બનાવવામાં આવ્યા છે. આજે ખેડૂતોને લાગે છે કે આ યાર્ડ પોતાનું જ છે અને અહીં તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી નથી.
કોઇ બે-પાંચ લોકોના કારણે વિકાસ યાત્રા અટકશે નહીં: જીતુભાઈ વાઘાણી
રાજકોટ માર્કેટ યાર્ડમાં યોજાયેલ કાર્યક્રમમાં કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જુની વાતો યાદ કરતા જણાવ્યું હતું કે, 25 વર્ષ પહેલા ગુજરાતમાં મત આપવા જતા તેને ગામના ચોરા પર મારતા જોયા છે. ધોળા દિવસે પોપટભાઇ સોરઠીયા જેવા ખેડુતોની ગોળીઓ મારી હત્યા કરવામાં આવી. જો કે જયેશ રાદડીયા મર્દાનગીથી ખેડુતોની સુરક્ષા માટે નિકળ્યા છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે ખેડુતો માટેની આ વિકાસયાત્રા કોઇ બે-પાંચ લોકોના કારણે અટકશે નહીં. સૌ સાથે મળીને આ વિકાસયાત્રા આગળ ધપાવશું.
