ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26નાં પરિણામો જાહેર થયાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ અને સુરત સહિતનાં શહેરોની સિદ્ધિઓનાં ઢોલ-નગારાં વગાડવામાં આવી રહ્યાં છે. સત્તાધારી પક્ષના નેતાઓ આ પરિણામોને પોતાની સરકારની મોટી ઉપલબ્ધિ ગણાવી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે એવોર્ડ અને રેન્કિંગના આંકડાઓની પાછળ શહેરોની વાસ્તવિક સ્થિતિ કેટલી સ્વચ્છ છે? શું સામાન્ય નાગરિકને ખરેખર સ્વચ્છ હવા, સ્વચ્છ રસ્તા, યોગ્ય કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છ જાહેર શૌચાલયોની સુવિધા મળી રહી છે? કે પછી સ્વચ્છતાના નામે કાગળ પર આંકડાઓની રમત અને પ્રચારનું મોટું તંત્ર ઊભું કરવામાં આવ્યું છે?
સૌપ્રથમ એક વાત સ્પષ્ટ કરવી જરૂૂરી છે કે આપણા સફાઈ કર્મચારીઓની મહેનત સામે કોઈને જરા પણ શંકા નથી. તડકો હોય કે વરસાદ, વહેલી સવારથી મોડી સાંજ સુધી તેઓ શહેરને સ્વચ્છ રાખવા માટે અથાક પરિશ્રમ કરે છે. તેમની નિષ્ઠા અને સેવા વંદનને પાત્ર છે. પરંતુ સફાઈ કર્મચારીઓની આ મહેનતની આડમાં જો રાજકીય પ્રચાર, વહીવટી બેદરકારી અને કોન્ટ્રાક્ટરોના હિતોનું રક્ષણ થતું હોય તો તેની જવાબદારી કોની? કર્મચારીઓની મહેનતને સરકારની સિદ્ધિ તરીકે રજૂ કરતાં પહેલાં તેમના કામની યોગ્ય પરિસ્થિતિ, સાધનો, સુરક્ષા અને ન્યાયસંગત વ્યવસ્થાની પણ ચર્ચા થવી જોઈએ.
જો અમદાવાદ અને સુરત જેવા શહેરોને સ્વચ્છતાના ક્ષેત્રમાં દેશનાં અગ્રણી શહેરશે તરીકે રજૂ કરવામાં આવતાં હોય, તો સામાન્ય નાગરિકનો સ્વાભાવિક પ્રશ્ન છે કે આ સ્વચ્છતા શહેરના દરેક વિસ્તારમાં કેમ દેખાતી નથી? સ્વચ્છતાનું મૂલ્યાંકન માત્ર રસ્તા પરનો કચરો ઉઠાવવામાં આવ્યો કે નહીં તેના આધારે થઈ શકે નહીં. હવાની ગુણવત્તા, ડમ્પિંગ સાઇટની આસપાસ રહેતા નાગરિકોનું સ્વાસ્થ્ય, ગંદા પાણીનો નિકાલ, ગટર વ્યવસ્થા અને કચરાના વૈજ્ઞાનિક નિકાલને પણ એટલું જ મહત્ત્વ મળવું જોઈએ. શહેરના એક છેડે એવોર્ડની ઉજવણી થતી હોય અને બીજા છેડે નાગરિકો દુર્ગંધ અને પ્રદૂષણથી પરેશાન હોય તો આ બે વાસ્તવિકતાઓ વચ્ચેનો તફાવત સમજાવવો સરકારની જવાબદારી છે.
સરકારના સત્તાવાર આંકડા મુજબ 2025-26ના સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશનાં 4,751 શહેરોનો સમાવેશ થયો હતો અને સમગ્ર દેશમાં આશરે 2.7 કરોડ નાગરિકોએ પ્રતિસાદ આપ્યો હતો. સર્વેક્ષણમાં 43 માપદંડો અને 10 ક્ષેત્રોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે 3,000થી વધુ તાલીમબદ્ધ એસેસર્સે મેદાની ચકાસણી કરી હતી. પરંતુ આ રાષ્ટ્રીય આંકડાઓથી ગુજરાતનાં શહેરોમાં નાગરિકોની ભાગીદારી કેટલી હતી તેનો જવાબ મળતો નથી.
સર્વેક્ષણમાં નાગરિકો પાસેથી પ્રતિસાદ મેળવવા માટે કયુઆર કોડ, સ્વચ્છતા એપ્લિકેશન અને અન્ય ઓનલાઇન માધ્યમોનો ઉપયોગ થયો છે. કેટલાક સ્થળોએ સ્વચ્છતા કર્મચારીઓ, વોર્ડ અધિકારીઓ અને સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકો સુધી કયુઆર કોડ પહોંચાડવામાં આવ્યા હોવાના અહેવાલો પણ આવ્યા છે.
સ્વચ્છતા સર્વેક્ષણ અને જાહેર શૌચાલયોના વિકાસના નામે થતા ખર્ચ અંગે પણ ગંભીર સવાલો ઊભા થાય છે. એક પ્રપોઝલ અને અંદાજિત ખર્ચની વિગતો મુજબ, માત્ર જાહેર શૌચાલયની સ્થિતિ તપાસવા માટે સાઇટ સર્વે અને ફીઝિબિલિટી રિપોર્ટના નામે એક શૌચાલય દીઠ રૂૂ. 15,000, કોન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન તૈયાર કરવા માટે રૂૂ. 15,500, મિનિએચર મોડેલ બનાવવા માટે રૂૂ. 40,000 અને ઇલેક્ટ્રિકલ તથા પ્લમ્બિંગ લાઇન દર્શાવતા ડ્રોઇંગ માટે રૂૂ. 1,65,000નો ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. જો આ ખર્ચની વિગતો સાચી હોય, તો એક શૌચાલય માટે માત્ર પ્રાથમિક સર્વે, ડિઝાઇન, મોડેલ અને ડ્રોઇંગ પાછળ જ આટલી મોટી રકમ ખર્ચવાની જરૂૂરિયાત શું છે?
