Uncategorized

મનપાના ગેટ પર લોખંડી સુરક્ષા : સફાઈ કામદારોને અટકાવાતા દેકારો

Published

on

ગઈકાલે યુનિયન સાથે પોલીસની માથાકૂટ થયા બાદ ચાર સફાઈ કામદારો ઈજાગ્રસ્ત થયેલ છતાં આજે કચેરી ખાતે એકઠા થતાં પોલીસે કચેરીમાં પ્રવેશવા ન દીધા

પદાધિકારીઓ હાજર ન હોય તેમની રાહ જોવાનું કહી કચેરીની બહાર રોડ ઉપર સફાઈ કામદારોને બેસાડતા નવા-જૂની થવાના એંધાણ

મહાનગરપાલિકામાં ઘણા સમયથી સફાઈ કામદારોની ભરતી થયેલ ન હોય તેમજ ભરતીના નિયમોમાં સુધારા અને રાજીનામા સહિતના મુદ્દે વાલ્મીકી સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. જેના ભાગરૂપે તંત્રએ તાજેતરમાં સફાઈ કામદારોની ભરતી માટે ફોર્મ બહાર પાડ્યા પરંતુ નિયમોમાં ફેરફાર કરી સફાઈકામદારના વારસદારને નોકરી મળે તેવો નિયમ અમલમાં મુકતા ફરી વખત યુનિયન દ્વારા તેનો વિરોધ કરી ગઈકાલે રજૂઆત કરવામાં આવેલ તે સમયે તંત્ર દ્વારા પોલીસ બળપ્રયોગ કરતા ચાર સફાઈ કામદારો ઈજાગ્રસ્ત થયા હતાં અને રજૂઆત બાકી હોય આજે કોર્પોરેશન ખાતે એકઠા થવાની ગંધ આવી જતાં મનપાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે ગેઈટ ઉપર લોખંડી બંદોબસ્ત મુકી સફાઈ કામદારોને કચેરીમાં પ્રવેશતા અટકાવાતા ફરી વખત દેકારો બોલી ગયો હતો. પદાધિકારીઓ હાજર ન હોય સાંજ સુધીમાં નવી જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.


સફાઈ કામદારો દ્વારા ગઈકાલે ભરતીના નિયમોમાં ફેરફાર કરવાની માંગ સાથે મેયર તેમજ સ્ટેન્ડીંગ ચેરમેનનને મળવા માટે આવ્યા હતાં. તે દરમિયાન વિજિલન્સ અને પોલીસ દ્વારા તેમને દૂર કરવા માટે બળ પ્રયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ સાથેની ઝપાઝપીમાં ચાર મહિલા સફાઈ કામદારોને ઈજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અને આ મુદ્દે વધુ આંદોલન વકરશે તેવો અણસાર તંત્રને આવી જતાં આજે સવારે મનપાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે આવેલા ત્રણેય ગેઈટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો હતો. બપોરે વાલ્મીકી સમાજના આગેવાનો તેમજ યુનિયનના હોદેદારો કચેરી ખાતે આવતા તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ભારે રકઝકના અંતે પાંચ વ્યક્તિ રજૂઆત કરવા આવે તેમ જણાવતા યુનિયનના પાંચ હોદેદારો રજૂઆત કરવા માટે મેયર ચેમ્બર ખાતે ગયા હતા પરંતુ આજે પદાધિકારીઓ હાજર ન હોય તેવો કચેરીના પરિસરમાં બેસી ગયા હતાં.

ત્યારે જ વીજીલન્સના સ્ટાફ દ્વારા તેઓને ધક્કા મારીને ગેઈટની બહાર કાઢવામાં આવ્યા હતાં અને રોડ ઉપર બેસવાનૂું જણાવતા સફાઈ કામદારોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.આજે કોર્પોરેશન કચેરી ખાતેથી સફાઈ કામદારોને બહાર કાઢવામાં આવતા યુનિયનના હોદેદારો ગુસ્સે થઈ ગયા હતાં અને મહાનગરપાલિકાની કચેરીના કાયમી બંધ રહેતા પાછળના દરવાજે એકઠા થવા લાગ્યા હતાં અમુક હોદેદારોના જણાવ્યા મુજબ અમે ફોન કરીને સેંકડો લોકોને અહીંયા એકઠા થવા માટે બોલાવ્યા છે અને આજે જવાબ માંગીને જ જશું તેમ જણાવતા બપોર બાદ વધુ સફાઈકામદારો એકઠા થશે ત્યારે નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ મુદ્દે યુનિયનના નેતાએ જણાવેલ કે, સફાઈ કામદારોની ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તે પરત લેવામાં આવે તેવી અમારી માંગ છે. જે પૂર્ણ નહીં થાય તો અચોક્કસ મુદત સુધી હડતાલ કરવામાં આવશે.

નિયમોમાં ફેરફારો કેવી રીતે થયાં !

વાલ્મીકી સમાજ અને સફાઈ કામદાર યુનિયન દ્વારા નવી ભરતી મુદદ્દે ઘણા સમયથી આંદોલન ચાલતું હતું જેનો અંત આવતા તંત્રએ સફાઈ કામદારોની ભરતીના ફોર્મ બહાર પાડી નવી ભરતી શરૂ કરી છે. પરંતુ નિયમોમાં ફેરફાર કરી નાખાતા તેનો ભારે વિરોધ થયો છે. યુનિયનના જણાવ્યા મુજબ બહારની કોઈ પણ વ્યક્તિ સફાઈકામદાર માટે અરજી કરી શકે તેવો નિયમ બનાવવા માટે જણાવવામાં આવેલ પરંતુ નવા નિયમોમાં સફાઈ કામદારના વારસદારને જ નોકરી મળી શકે તેવો નિયમ અમલમાં મુકતા તેનો ભારે વિરોધ કરી આજે ફરી આંદોલનના મંડાણ યુનિયન દ્વારા કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version