US-ઈરાન વચ્ચે ‘કામચલાઉ’ શાંતિ કરાર ફાઈનલ

હોર્મૂઝની ખાડી ફરી ખુલશે, યુરેનિયમની ચર્ચા થશે ટ્રમ્પની મહોર બાકી છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મધ્ય પૂર્વમાં હવે કૂટનીતિના નવા પવન ફૂંકાઈ રહ્યા…

હોર્મૂઝની ખાડી ફરી ખુલશે, યુરેનિયમની ચર્ચા થશે ટ્રમ્પની મહોર બાકી

છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મધ્ય પૂર્વમાં હવે કૂટનીતિના નવા પવન ફૂંકાઈ રહ્યા છે. હજારો કિલોમીટર દૂર ચાલી રહેલા આ જંગે વિશ્વના ઓઈલ માર્કેટ અને સુરક્ષા સમીકરણોને હચમચાવી દીધા હતા, પરંતુ હવે એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસના યુદ્ધવિરામ અને પરમાણુ મંત્રણા ફરી શરૂૂ કરવા માટે એક પ્રાથમિક સમજૂતી સધાઈ હોવાના અહેવાલો છે.

અમેરિકન રિપોર્ટ્સ અનુસાર, આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 60 દિવસ સુધી યુદ્ધવિરામને લંબાવવાનો છે. આ સમયગાળા દરમિયાન બંને દેશો ઈરાનના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમના જથ્થા અંગે ગંભીર ચર્ચાઓ કરશે. આ કરારનું સૌથી મોટું પાસું એ છે કે ઈરાન પરમાણુ હથિયારો ન બનાવવા માટે કમિટમેન્ટ આપે તેવી શક્યતા છે.

વિશ્વના ઓઈલ સપ્લાય માટે સૌથી મહત્વનો ગણાતો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ હવે આ મંત્રણાના કેન્દ્રમાં છે. કરાર મુજબ, આ જળમાર્ગ પર શીપિંગ ’મુક્ત’ બનાવવામાં આવશે. ઈરાનને 30 દિવસમાં માઈન્સ હટાવવાની શરત રાખવામાં આવી છે. બદલામાં, અમેરિકા તેના નૌકાદળ દ્વારા લાદવામાં આવેલા બ્લોકેડને તબક્કાવાર હળવું કરશે. જોકે બુધવારે અને ગુરુવારે બંને દેશો વચ્ચે ફરીથી સૈન્ય સંઘર્ષ જોવા મળ્યો હતો. કુવૈતમાં અમેરિકન બેઝ પર ઈરાનનો મિસાઈલ હુમલો અને બદલામાં અમેરિકાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. હાલના તબક્કે, આ એક માત્ર કામચલાઉ સમજૂતી છે, કોઈ અંતિમ શાંતિ કરાર નથી.

અમેરિકાના વિમાનને તોડી પાડ્યાનો ઈરાનનો દાવો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા વચ્ચે ખાડી ક્ષેત્રમાં ફરી એકવાર તણાવ વધી રહ્યો છે. આજે વહેલી સવારે ઈરાનના દરિયાકાંઠાના પ્રાંત બુશહર અને હોર્મુઝ સ્ટ્રેટમાં વિસ્ફોટો સંભળાયા હતા. ઈરાની મીડિયાએ દાવો કર્યો હતો કે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમે બુશહર પ્રાંતના જામ વિસ્તારમાં એક અમેરિકન લશ્કરી વિમાનને તોડી પાડ્યું હતું. ઈરાની સમાચાર એજન્સીઓ તસ્નીમ અને ફાર્સ અનુસાર, શુક્રવારે વહેલી સવારે બુશહર પ્રાંતનું આકાશ અચાનક મિસાઈલના ઝબકારા અને વિસ્ફોટોના અવાજથી ગુંજી ઉઠ્યું. ઈરાનની સરકારી ટીવીએ જામ કાઉન્ટીના ગવર્નર મસૂદ તંગેસ્તાનીને ટાંકીને કહ્યું હતું કે, “આજે રાત્રે એર ડિફેન્સ સિસ્ટમે દુશ્મનના ફાઇટર જેટને સફળતાપૂર્વક અટકાવ્યું અને તોડી પાડ્યું.” ઈરાને દાવો કર્યો કે તે અમેરિકન વિમાન હતું. જોકે, અમેરિકન અધિકારીઓએ ઈરાનના દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. રોઇટર્સ અનુસાર, એક યુએસ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે આ ક્ષેત્રમાં કોઈ પણ અમેરિકન વિમાનને નુકસાન થયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *