અમદાવાદમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ, ત્રણની ધરપકડ

હિંમતનગરથી રૂ.3.60 લાખમાં નવજાત બાળકની ખરીદી કરીને હૈદરાબાદ વેચવા લઈ જતા હતા ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને માનવ તસ્કરીના મોટા…

હિંમતનગરથી રૂ.3.60 લાખમાં નવજાત બાળકની ખરીદી કરીને હૈદરાબાદ વેચવા લઈ જતા હતા

ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને માનવ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. હિંમતનગરથી હૈદરાબાદ સુધી ફેલાયેલા આ રેકેટમાં પોલીસે એક નવજાત શિશુને સુરક્ષિત રીતે બચાવી લીધું છે અને ત્રણ રીઢા ગુનેગારોની ધરપકડ કરી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસના સંયુક્ત ઓપરેશન – આંતરરાજ્ય નવજાત શિશુ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો હતો.

ગુજરાત એટીએસને મળેલી સચોટ ટેકનિકલ ઇનપુટ્સના આધારે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ જે.સી. દેસાઈ અને તેમની ટીમે એરપોર્ટ નજીક કોતરપુર પમ્પિંગ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. હિંમતનગર તરફથી આવી રહેલી એક શંકાસ્પદ અર્ટિગા કાર જીજે-01-એમતી-2600 ને આંતરીને તપાસ કરતા, તેમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ બાળકનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે તેને લઈ જવામાં આવી રહ્યું હતું. આ મામલે મૂળ યુપીના અયોધ્યાના વાતની હાલ અમદાવાદ ઓઢવ રહેતી વંદનાબેન જીગરાભાઈ પંચાલ, રાજસ્થાનના ઝુંઝુનુના વતની હાલ હૈદરાબાદ રહેતી રોશન ઉર્ફે સજ્જન અગ્રવાલ અને મૂળ સુલતાનપુર, યુપીના હાલ વટવા, અમદાવાદ રહેતા સુમિત બચ્ચનભાઈ યાદવની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓએ આ બાળકને હિંમતનગરના મુન્નુ નામના વ્યક્તિ પાસેથી રૂૂ.3.60 લાખમાં ખરીદ્યું હતું. આ બાળકને હૈદરાબાદના નાગરાજ નામના એજન્ટને ઊંચી કિંમતે વેચવાનો તેમનો મનસૂબો હતો.

ટોળકી પાસેથી પોલીસે રૂૂ.55,000ની કિંમતના 4 મોબાઈલ ફોન, રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ વાહન જપ્ત કર્યું છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) 2023 ની કલમ 143(4), 137(2), 61(2)(ફ) તેમજ જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટ ની કલમ 81 અને 87 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ટોળકી પાસેથી મળેલ બાળકને બચાવવામાં આવ્યું અને નવજાત શિશુને તબીબી સારવાર અને દેખરેખ માટે ચાઈલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે. આ નેટવર્કના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે અને અગાઉ કેટલા બાળકોની આ રીતે તસ્કરી કરવામાં આવી છે, તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચ વધુ તપાસ ચલાવી રહી છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *