ગાડલિયા લુહાર સમાજને સન્માનજનક નામની ઓળખ અપાવવામાં પ્રાથમિક સફળતા

વિચરતી અને વિમુક્ત જાતિમાં સમાવિષ્ટ ગાડલિયા લુહારિયા સમુદાયને સન્માનજનક “ગાડલિયા લુહાર”તરીકે ઓળખ અપાવવાની વર્ષો જૂની માંગણીને સફળતાના પ્રથમ શિખર સુધી પહોંચાડવામાં આવી છે. આ માંગણીના…

વિચરતી અને વિમુક્ત જાતિમાં સમાવિષ્ટ ગાડલિયા લુહારિયા સમુદાયને સન્માનજનક “ગાડલિયા લુહાર”તરીકે ઓળખ અપાવવાની વર્ષો જૂની માંગણીને સફળતાના પ્રથમ શિખર સુધી પહોંચાડવામાં આવી છે. આ માંગણીના પ્રયાસોમાં કાઠીયાવાડ ગાડલિયા લુહાર સમાજના એકમાત્ર યુવા એડવોકેટ અને અધ્યક્ષ દેવરાજ રાઠોડ અને સમગ્ર એકલિંગજી સેનાના યુવાનોની તનતોડ મહેનતને કારણે સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે આ નીતિ વિષયક રજૂઆતની સકારાત્મક નોંધ લીધી છે.

ગાડલિયા લુહાર સમુદાય વર્ષોથી “લુહારિયા” શબ્દને બદલે ગૌરવશાળી “ગાડલીયા લુહાર” શબ્દની માંગ કરી રહ્યો હતો. આ બાબતે યુવા એડવોકેટ દેવરાજ રાઠોડ (વિરપુર) દ્વારા કાયદાકીય પાસાઓ અને સમાજની લાગણીને ધ્યાને રાખી મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સુધી સચોટ રજૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનમાં કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ અને એકલિંગજી સેનાના ઉત્સાહી યુવાનોએ ખભેખભા મિલાવી સમાજને જાગૃત કરી એકતાનું પ્રદર્શન કર્યું હતું.

તાજેતરમાં સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પત્ર (ક્રમાંક: SJED/MSM/e-file/17/2026/0384/A Section) માં જણાવાયું છે કે, એડવોકેટ દેવરાજ રાઠોડ દ્વારા કરવામાં આવેલી રજૂઆતની સરકારશ્રીએ ઉચ્ચ સ્તરે નોંધ લીધી છે અને હવે આ પ્રક્રિયા વહીવટી તબક્કે આગળ વધી રહી છે.

આ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર પત્ર નથી, પણ આપણા સમાજના આત્મસન્માનની જીત તરફનું પ્રથમ ડગલું છે. કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ અને એકલિંગજી સેનાના દરેક યુવાનો જે રીતે એકજુટ થઈને આ અભિયાનને વેગ આપ્યો છે, તે અભિનંદનને પાત્ર છે. હજુ અમારું લક્ષ્ય સત્તાવાર ઠરાવ (GR) મેળવવાનું છે, જે માટે અમે મક્કમ છીએ.

રાજ્ય સરકારે અમારા છેવડાના અને વંચિત સમાજની ચિંતા કરી અમારી માંગણી બાબતે હકારાત્મક વલણ અને સંવેદનશીલતા માટે રાજ્ય સરકારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ સફળતા બદલ સમગ્ર કાઠીયાવાડ ગાડલિયા લુહાર સમાજમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે અને યુવાનોની આ ટીમ પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *