ઘરેલું ગેસ સિલિન્ડરમાં રૂા.60 અને કોમર્સિયલ સિલિન્ડરમાં રૂા.115નો તોતિંગ ભાવવધારો
ભારત પાસે પૂરતો સ્ટોક છતાં વૈશ્ર્વિક પ્રભાવથી મુક્ત નહિ: કેન્દ્ર સરકાર
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા યુદ્ધના તણાવની સીધી અસર હવે ભારતના સામાન્ય નાગરિકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ અને ગેસના પુરવઠામાં સર્જાયેલા અવરોધને કારણે ભારતમાં પણ મોંઘવારીનો મોટો ઝીંકાડો કરવામાં આવ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, ઘરેલું એલપીજી (LPG) સિલિન્ડરના ભાવમાં એકસાથે 60 રૂૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.
શનિવાર, 7 માર્ચ 2026 થી અમલી બનેલા આ નવા દરોએ મધ્યમ અને ગરીબ વર્ગના બજેટને વેરવિખેર કરી દીધું છે. ખાસ કરીને એવા સમયે જ્યારે લોકો આર્થિક સ્થિરતાની આશા રાખી રહ્યા હતા, ત્યારે આ આંતરરાષ્ટ્રીય કટોકટીએ ભાવમાં મોટો ઉછાળો આણી દીધો છે.
વિગતો મુજબ, દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત જે પહેલા 853 રૂૂપિયા હતી, તે હવે વધીને 913 રૂૂપિયા પર પહોંચી ગઈ છે. આ માત્ર દિલ્હી પૂરતું મર્યાદિત નથી, પરંતુ મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા મેટ્રો શહેરો સહિત સમગ્ર દેશમાં ભાવમાં સમાન વધારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે ગેસના ભાવમાં 5 કે 10 રૂૂપિયાનો ફેરફાર થતો હોય છે, પરંતુ એકસાથે 60 રૂૂપિયાનો વધારો છેલ્લા ઘણા સમયનો સૌથી મોટો વધારો માનવામાં આવે છે. આ વધારા પાછળનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ છે, જેના કારણે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષને લીધે ઓઈલ સપ્લાય લાઈનો પ્રભાવિત થઈ છે.
માત્ર ઘરેલું ગેસ જ નહીં, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 115 રૂૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ વધારાને કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને બહારના ખાણી-પીણીના ભાવમાં પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ સ્થિતિ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ભારત પાસે ઉર્જાનો પૂરતો સ્ટોક છે, પરંતુ વૈશ્વિક બજારની અસરથી બચવું મુશ્કેલ છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. હાલમાં તો સામાન્ય જનતા માટે આ સમાચાર માથાના દુખાવા સમાન છે, કારણ કે ગેસ સિલિન્ડર જેવી પાયાની જરૂૂરિયાત મોંઘી થતા ઘરનું આખું ગણિત ખોરવાઈ જાય છે.
