એર ઇન્ડિયા, ઇન્ડિગો, સ્પાઇસજેટ અને અન્ય ઘણી એરલાઇન્સ ભારતમાં ચાલી રહી છે. હવે, આ યાદીમાં કેટલાક નવા નામો પણ જોડાવાના છે. શંખ એર, અલ હિંદ એર અને ફ્લાય એક્સપ્રેસ જેવી એરલાઇન્સ પણ ભારતીય આકાશમાં ઉડાન ભરવા માટે તૈયારી કરી રહી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે, તેમણે છેલ્લા અઠવાડિયામાં ઘણી નવી એરલાઇન્સની ટીમો સાથે મુલાકાત કરી છે. રામ મોહન નાયડુએ કહ્યું કે, શંખ એર, અલ હિંદ એર અને ફ્લાય એક્સપ્રેસ નવી એરલાઇન્સ છે. શંખ એરને મંત્રાલય તરફથી NOC મળી ગયું છે. અલ હિંદ એર અને ફ્લાયએક્સપ્રેસને પણ આ અઠવાડિયે NOC આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મંત્રાલયનો ધ્યેય દેશમાં શક્ય તેટલી વધુ નવી એરલાઇન્સને પ્રોત્સાહન આપવાનો છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઉડ્ડયન બજારોમાંનું એક છે. આ વૃદ્ધિ કેન્દ્ર સરકારની નીતિઓ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને કારણે શક્ય બની છે. ઉડાન યોજનાએ નાની એરલાઇન્સને મજબૂત બનાવી છે. સ્ટાર એર, ઇન્ડિયાવન એર અને ફ્લાય91 જેવી એરલાઇન્સ પ્રાદેશિક કનેક્ટિવિટીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં વધુ વિકાસ માટે નોંધપાત્ર સંભાવનાઓ છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ સ્થિત એરલાઇન શંખ એરલાઇન્સ શરૂૂઆતમાં લખનઉંથી વારાણસી, ગોરખપુર, અયોધ્યા, ચિત્રકૂટ, ઇન્દોર અને દેહરાદૂન સુધી સેવાઓનું સંચાલન કરશે.
