દેશભરમાં દિવાળીનો માહોલ; 61 રનથી ઐતિહાસિક જીતને લોકોએ રસ્તા પર ઉજવી; અડધી રાત સુધી આતીશબાજી ચાલુ રહી, તિરંગાઓ લઈને વિજયયાત્રા નીકળી
વિશ્વકપની કોલંબોમાં રમાયેલી 27મી મેચમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને 61 રને ધૂળ ચટાડીને સુપર-8માં પહોંચી ચૂકી છે. ટીમ ઈન્ડિયાના ભવ્ય વિજય બાદ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ અને સુરતમાં પણ ભારતીય ટીમના જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ભાગળમાં વર્લ્ડકપની પ્રતિકૃતિ સાથે ઉજવણી કરી જીતને વધાવી આજે જેવી ટીમ ઈન્ડિયા જીતી ગઈ તે સાથે જ મોટી સંખ્યામાં સુરતીઓ હાથમાં તિરંગા લઈને શહેરના ભાગળ વિસ્તારમાં ઉમટી પડ્યા હતા. જ્યાં લોકોએ ફટાકડા ફોડીને ટીમ ઈન્ડિયાની જીતને ઉજવી હતી. આ દરમિયાન એક યુવક પોતાના હાથમાં વર્લ્ડકપની પ્રતિકૃતિ સાથે જોવા મળ્યો હતો. તેમજ ચોતરફ ઈન્ડિયા..ઈન્ડિયાના નારા ગુંજવા લાગ્યા હતા.
જેવી ટીમ ઈન્ડિયા જીતી, તે સાથે જ અમદાવાદના સિંધુભવન રોડ પર પણ ’ભારત માતા કી જય’ના નારા ગુંજવા લાગ્યા હતા. મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ભારતીય ટીમની જીતની ઉજવણી કરવા સિંધુ ભવન રોડ પર પહોંચી ગયા હતા. લોકો ઈન્ડિયા-ઈન્ડિયાની બૂમો પાડતા નાચતા-કૂદતા જોવા મળ્યા હતા. જેના પગલે સિંધુ ભવન રોડ પર ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ અને TRB જવાનોને ખડકી દેવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, કોલંબોમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઑવરમાં 5 વિકેટ ગુમાવીને 175 રનનો સ્કોર ખડક્યો હતો. જેમાં ઈશાન કિશનના 40 બોલમાં 10 ફોર અને 3 સિક્સ સાથે 77 રનનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતુ. 176 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનના બેટ્સમેનો ભારતના બોલિંગ આક્રમણ સામે સાવ ઘૂંટણિસે બેસી ગયા હતા. જેના પગલે પાકિસ્તાની ટીમ માત્ર 18 ઑવરમાં 114 રનમાં જ સમેટાઈ ગઈ હતી.
વર્તમાન ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત ત્રીજી જીત છે. જ્યારે વિશ્વકપના ઈતિહાસમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતનો આ 8મો વિજય છે. અત્યાર સુધી આ બન્ને ટીમો વચ્ચે કુલ 9 મેચ રમાઈ છે.
