અમદાવાદમાં યોગાસનની વિશ્ર્વ સ્પર્ધામાં ભારતનો ‘સુવર્ણ દિન’

સૌપ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શાનદાર ઉદ્ઘાટન કર્યું ત્યાર બાદ શુક્રવારે ભારતીય ઍથ્લીટોએ દમદાર પર્ફોર્મ કરીને છમાંથી પાંચ ગોલ્ડ મેડલ પર…

સૌપ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શાનદાર ઉદ્ઘાટન કર્યું ત્યાર બાદ શુક્રવારે ભારતીય ઍથ્લીટોએ દમદાર પર્ફોર્મ કરીને છમાંથી પાંચ ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. શુક્રવારના ‘પર્યાવરણ દિને’ ભારતે ‘સુવર્ણ દિન’ ઉજવ્યો હતો. પરંપરાગત યોગાસન વર્ગમાં પશ્ચિમ બંગાળના અભય બર્મન (સિનિયર મેલ કેટેગરી) અને રિતુ મોન્ડલ (સિનિયર ફીમેલ)એ સુવર્ણચંદ્રક જીતીને ભારતને 70થી વધુ દેશોના 500થી વધુ ઍથ્લીટો વચ્ચે જોરદાર આરંભ અપાવ્યો હતો. ભારતના 122 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.
અમદાવાદ માં એકા અરીનામાં આયોજિત યોગાસન ની સૌપ્રથમ વિશ્વ સ્પર્ધામાં સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર અભય બર્મને 63.42 પોઇન્ટ સાથે પ્રથમ આવીને સૌને ચોંકાવી દીધા હતા.

સિલ્વર જીતનાર બીજા નંબરનો ઇન્ડોનેશિયાનો અર્કન રિયાન્તો (57.23 પોઇન્ટ) તેનાથી ઘણો પાછળ હતો. અભય બર્મને ચેમ્પિયનશિપનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યા પછી કહ્યું, ‘અહીંના ઉત્સાહિત પ્રેક્ષકો અને સપોર્ટરોની હાજરીમાં હું ભારતને પ્રથમ અને ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવી શક્યો એ બદલ ગર્વ અનુભવું છું.’ મહિલાઓમાં રિતુ મોન્ડલે 64.33 પોઇન્ટ સાથે ગોલ્ડ જીતી લીધો હતો. કઝાખસ્તાનની ઐઝાન (58.97) બીજા નંબરે અને ચીનના તાબા હેઠળના હોન્ગકોન્ગની લેમ ઍન્ગા માન (56.98) ત્રીજા નંબરે રહી હતી.

ભારત એકમાત્ર સિનિયર ‘એ’ મેલ કેટેગરીમાં ગોલ્ડ નહોતું જીતી શક્યું. એમાં સિંગાપોરના નેથનીલ લીઑન્ગ ઍને 55.37 પોઇન્ટ સાથે ગોલ્ડ મેળવ્યો હતો. તાન્ઝાનિયાનો કરિમુ (54.99) સિલ્વર અને ભારતનો સુમિર ગ્નાવલી (54.00) બ્રોન્ઝ જીત્યો હતો. ભારતના અન્ય ગોલ્ડ મેડલ વિજેતાઓમાં રિતુ ઠાકુર, રોશન થાપા અને જ્યોતિ દેઉરકર (ટ્વિસ્ટિંગ બોડી કેટેગરી)નો સમાવેશ હતો. તેમણે કહ્યું, આજે અમદાવાદની ધરતી પરથી વિશ્વની રમતગમતની વારસામાં એક નવું અધ્યાય જોડાયું છે. આજે પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે.

મોદીએ કહ્યું, મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં યોગાસન પણ આંતરરાષ્ટ્રીય રમતગમતમાં પોતાનું સ્થાન બનાવશે. અમદાવાદમાં યોજાતી આ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ યોગાસનને ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી રમતગમત સ્પર્ધાઓમાં સામેલ કરવા માટે એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *