ભારત 2027 સુધીમાં એક એવું અવકાશયાન વિકસાવવાનું લક્ષ્ય રાખે છે જે માનવીને સુરક્ષિત રીતે ચંદ્ર પર ઉતારી શકે અને તેમને પૃથ્વી પર પાછા મોકલી શકે, એમ ઇસરોના અધ્યક્ષ વી નારાયણને જણાવ્યું હતું. તેઓ ગુજરાત યુનિવર્સિટીના 74મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે બોલી રહ્યા હતા. આ મહત્વાકાંક્ષી ધ્યેય માટે, ગગનયાન મિશન પહેલેથી જ શરૂૂ થઈ ગયું છે અને મંગળ મિશનની તૈયારીઓ પણ ચાલી રહી છે અને 2028 સુધીમાં તે આગળ વધવાની અપેક્ષા છે.
ભારતની અવકાશ યાત્રાના મુખ્ય સીમાચિહ્નો શેર કરતા તેમણે કહ્યું કે 1962 થી, ભારતે વિવિધ સ્થાનિક હેતુઓ માટે 133 ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. તેમણે નોંધ્યું કેLVM-3 “બાહુબલી” નો ઉપયોગ કરીને ગયા મહિને લોન્ચ કરાયેલ ઉપગ્રહ અત્યાર સુધીનો સૌથી ભારે હતો, જેનું વજન 164 કિલો હતું. ઇસરોના અધ્યક્ષે જણાવ્યું હતું કે નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ (NGLV) માટે મંજૂરી આપવામાં આવી છે. તેમણે ભાર મૂક્યો કે ભારતે અત્યાર સુધીમાં 34 દેશો માટે 434 ઉપગ્રહો લોન્ચ કર્યા છે, જે એક વિશ્વસનીય વૈશ્વિક પ્રક્ષેપણ સેવા પ્રદાતા તરીકે તેની સ્થિતિ મજબૂત બનાવે છે. ભારત એક જ દિવસમાં 104 ઉપગ્રહો લોન્ચ કરવાનો વિશ્વ રેકોર્ડ પણ ધરાવે છે.
ભવિષ્યના મિશન વિશે બોલતા, નારાયણને કહ્યું કે ભારત હવે સૂર્યનો અભ્યાસ કરતા દેશોના એક ઉચ્ચ જૂથમાં જોડાઈ ગયું છે અને ટૂંક સમયમાં આદિત્ય મિશન લોન્ચ કરશે. હાલમાં, ભારતમાં બે લોન્ચ પેડથી ઉપગ્રહો લોન્ચ કરવામાં આવે છે, જ્યારે કેન્દ્ર સરકારે ત્રીજા લોન્ચ પેડને મંજૂરી આપી છે. 4,000 કરોડ રૂૂપિયાના ખર્ચે બનેલી આ નવી સુવિધાનો ઉપયોગ હેવી-લિફ્ટ NGLV ઉપગ્રહો લોન્ચ કરવા માટે કરવામાં આવશે.
તેમણે ગૂગલની મેપિંગ સેવાઓની તુલનામાં ’ભુવન’ પોર્ટલ લોન્ચ કરવાની યોજનાની પણ જાહેરાત કરી. અવકાશ ટેકનોલોજીના સામાજિક પ્રભાવ પર ભાર મૂકતા, તેમણે કહ્યું કે ભારતીય ઉપગ્રહોએ ઘણા લોકોના જીવ બચાવવામાં મદદ કરી છે. ટેલિકોમ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા, 8,700 ટ્રેનોની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે, અને માછીમારીના ક્ષેત્રોને ઓળખવા માટે પણ સેટેલાઇટ ડેટાનો ઉપયોગ થાય છે. હાલમાં, ચાર GPS નેવિગેશન ઉપગ્રહો કાર્યરત છે, અને ત્રણ વધુ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. નારાયણને ઉમેર્યું હતું કે સેટેલાઇટ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ અગાઉ સરકારી કંપનીઓ દ્વારા સંભાળવામાં આવતું હતું, પરંતુ હવે આ જવાબદારી ત્રણ ખાનગી અને સ્ટાર્ટ-અપ કંપનીઓને આપવામાં આવી છે.
