ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. દિગ્દર્શક નીરજ ઘાયવાનની ફિલ્મ ’હોમબાઉન્ડ’ ઓસ્કર 2026 માટે શોર્ટલિસ્ટ થઈ છે. એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સે મંગળવારે રાત્રે 12 કેટેગરીમાં શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મોની યાદી જાહેર કરી હતી, જેમાં ભારતની સત્તાવાર એન્ટ્રી ’હોમબાઉન્ડ’એ વિશ્વભરના 86 દેશોની ફિલ્મોને પછાડીને ટોપ 15માં સ્થાન મેળવ્યું છે.
‘હોમબાઉન્ડ’ કોઈ મસાલા ફિલ્મ નથી, પરંતુ તે ભારતના સામાજિક માળખા અને સંઘર્ષની વાસ્તવિકતા દર્શાવતી વાર્તા છે. જેમાં મુખ્ય કલાકારો: ઈશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જાન્હવી કપૂર છે. આ ફિલ્મ બે બાળપણના મિત્રો, શોએબ (ઈશાન ખટ્ટર) અને ચંદન (વિશાલ જેઠવા)ની આસપાસ ફરે છે, જેઓ પોલીસ દળમાં જોડાવાનું સપનું જુએ છે.
આ ફિલ્મ કોવિડ-19 લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય મજૂરોની પીડા, જાતિવાદ અને ધાર્મિક ભેદભાવ વચ્ચે ટકી રહેલી મિત્રતાને અત્યંત ગંભીરતાથી રજૂ કરે છે. જાન્હવી કપૂરે આ ફિલ્મમાં ‘સુધા ભારતી’નું પાત્ર ભજવ્યું છે, જે વાર્તામાં ભાવનાત્મક ઊંડાણ ઉમેરે છે. આ ફિલ્મની સફર આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ શાનદાર રહી છે. ઓસ્કર પહેલાં આ ફિલ્મનું પ્રીમિયર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં થયું હતું, જ્યાં તેને 12 મિનિટ સુધી ઊભા થઈને તાળીઓના ગડગડાટ સાથે વધાવવામાં આવી હતી. તેલુગુ અને હિન્દી સિનેમાના મિશ્રણ જેવી આ ફિલ્મને માર્ટિન સ્કોર્સેસી જેવા દિગ્ગજ હોલીવુડ નિર્દેશકે પણ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે ટેકો આપ્યો છે. ફિલ્મના શોર્ટલિસ્ટ થયા બાદ ધર્મા પ્રોડક્શનના માલિક કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ શેર કરી હતી.
તેમણે લખ્યું, હું મારી લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો શોધી શકતો નથી. કાન્સથી શરૂૂ થયેલી આ સફર હવે ઓસ્કરના શોર્ટલિસ્ટ સુધી પહોંચી છે. આ અમારા માટે અત્યંત ગર્વની ક્ષણ છે. 22 જાન્યુઆરી, 2026ના દિવસે ઓસ્કરના ફાઈનલ 5 નોમિનેશનની જાહેરાત કરવામાં આવશે. જો ‘હોમબાઉન્ડ’ આ યાદીમાં સ્થાન મેળવશે, તો તે ‘લગાન’ અને ‘મધર ઈન્ડિયા’ જેવી ફિલ્મોની હરોળમાં આવી જશે. 15 માર્ચ, 2026: લોસ એન્જલસમાં 98મો એકેડેમી એવોર્ડ સમારોહ યોજાશે, જેમાં વિજેતાઓની જાહેરાત થશે.
